ભુજમાં પાણી સંગ્રહ માટે વધુ બે ટાંકા બનાવવાનું નગરપાલિકાનું આયોજન

ચંગલેશ્વર વિસ્તારમાં ટાંકો બનાવવા જમીન મંજૂરીની ફાઈલ કલેકટર મારફતે ગાંધીનગર મોકલાઈ : સેવન સ્કાય પાસે ટાંકો બનાવવા જમીનની શોધખોળ આરંભાઈ : હાલમાં શીવકૃપા અને હીલગાર્ડન પાસે ટાંકાનું નિર્માણ કાર્ય છે પ્રગતિમાં : ભુજમાં પાણી સંગ્રહની વ્યવસ્થાના અભાવે લોકોને નથી મળતું સમયસર પાણી, નવા ચાર ટાંકા બની જવાથી એકાંતરે પાણી વિતરણ થઈ શકશે

ભુજ : કચ્છના પાટનગર ભુજ શહેરમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે પાણીની છે. ભુજ શહેરમાં ત્રણ લાખની વસ્તી સામે નગરપાલિકા પાસે પાણી સંગ્રહની વ્યવસ્થા ન હોવાથી પાણી વિતરણની કામગીરી અનિયમિત છે, તેમાં પણ માળિયા પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ પડે તો શહેરમાં પાણી વિતરણ ખોરંભે ચડી જાય છે. નર્મદા પર આધારીત ભુજ નર્મદાની લાઈનમાં વિક્ષેપ સર્જાય તો તરસ્યું રહે છે. આવા સમયે ગત બોડીએ શહેરમાં પાણી સંગ્રહ માટે નવા ટાંકા બનાવવા અમૃત યોજનાનો આરંભ કર્યો હતો. પરંતુ કેટલીક ક્ષતિઓના કારણે કામો અટકી પડયા, જેથી વર્તમાન સુકાની ઘનશ્યામભાઈ ઠક્કરે આ કામોને વેગ આપવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. જે અન્વયે ભુજમાં વધુ બે પાણીના ટાંકા બનાવવામાં આવશે.

નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, હાલમાં ભુજ સુધરાઈ દ્વારા વોર્ડ નં. ૧, ર માં પાટવાડી સંપ નર્મદાના એરવાલમાંથી કનેક્શન લઈ આ વિસ્તારમાં પાણી અપાય છે. ભુતકાળમાં કેશવનગર ગ્રામ પંચાયતની પાણી વિતરણ વ્યવસ્થાને આધારે પાણી અપાઈ રહ્યું છે. ઉપરાંત અરિહંત નગર, રાવલવાડી, વાલદાસ નગર, ભારાપર યોજના, કુકમા સંપ સહિતના પાણીના સંગ્રહ સ્થાનો પરથી લોકોને પાણી વિતરણ કરાય છે. એક સમસ્યા એવી સામે આવી છે કે, નર્મદાનું પાણી ભુજને ઓછું મળે છે પરંતુ તપાસ બાદ સામે આવ્યું કે, પાણી પુરવઠા નગરપાલિકાને પુરતું પાણી આપે છે. પરંતુ મીટરો ખરાબ હતા, જેથી તે ખામી દૂર કરાવી છે. ભુજ નગરપાલિકા પાસે પાણીના સ્ટોરેજની તાકાત નથી. એક માત્ર ભુજીયો અને શીવકૃપા જ સ્ટોરેજ ટેંક હોવાથી અવ્યવસ્થા સર્જાઈ છે. જેથી શીવકૃપાનગર પાસે પ૦ લાખની ક્ષમતાનો પાણીનો ટાંકો બનાવાયો છે. અહીં જંગલ ખાતાની જમીન હોવાથી કેટલીક અડચણો સામે આવી છે, જેથી જંગલ ખાતા પાસે આ જમીન મંજૂર કરાવી નાણા ભરપાઈ કર્યા છે. જેથી આ કામ પણ પ્રગતિમાં છે. કુકમા સંપથી ભુજીયો સંપ અને ત્યાંથી શીવકૃપાની એકસપ્રેસ લાઈન પાથરવામાં રેલવેના પાટા આવતા હોવાથી રેલવે વિભાગની મંજૂરી પણ મેળવવાની કામગીરી ચાલુમાં છે. ઉપરાંત હીલગાર્ડન પાસે ર૦ લાખ લીટરની ક્ષમતાનો નવો ટાંકો બનાવાઈ રહ્યો છે. હાલમાં બે ટાંકાનું કામ તો ચાલુમાં છે. ઉપરાંત વધુ બે ટાંકા બનાવવાનું આયોજન છે. જેના ભાગરૂપે ચંગલેશ્વર પાસે પાણીનો ટાંકો બનાવવા માટે જમીનની મંજૂરી મેળવવા કલેકટર પાસે દરખાસ્ત કરાઈ છે. કલેકટર દ્વારા ગાંધીનગરમાં ફાઈલ મોકલાઈ છે. ૧પ જુલાઈની આસપાસ મંજૂરી મળે તેવી શક્યતા છે. ઉપરાંત સેવક સ્કાય પાસે નર્મદાના એરવાલ્વમાંથી કનેક્શન લઈ પાણીનો ટાંકો બનાવવાનું આયોજન છે. જેથી આ વિસ્તારમાં જમીન મેળવવા કામગીરી શરૂ કરાઈ છે. જેથી ભુજમાં ચાર ટાંકા બની જવાથી સ્ટોરેજ વધી જશે અને નગરપાલિકા શહેરના ૧૧ વોર્ડમાં એકાંતરે પાણી આપી શકશે તેવું ઉમેર્યું હતું.

ભુજ સુધરાઈમાં મરણ પ્રમાણપત્રો સૌથી વધુ ઈસ્યુ થવા પાછળ નગરપતિએ આપ્યું કારણ

ભુજ : શહેરની સુધરાઈમાં સૌથી વધુ મરણ પ્રમાણપત્રો ઈસ્યુ થાય છે, જે અંગે નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું કે, ભુજ એ કચ્છનું પાટનગર છે. કોવિડ હોય કે નોન કોવિડ દર્દીઓ સારવાર લેવા ભુજમાં આવતા હોય છે. કોવિડની સ્થિતિમાં કચ્છ આખાય તેમજ મોરબીમાંથી દર્દીઓ ભુજમાં આવ્યા હતા. તેઓનું ડેથ થાય તો સર્ટિફીકેટ ભુજ નગરપાલિકામાંથી ઈસ્યુ કરવામાં આવતા હોય છે. વ્યક્તિ ભલે ગમે ત્યાંનો હોય પણ જે સ્થળે તેનું મરણ થાય ત્યાંથી મરણ પ્રમાણપત્ર ઈસ્યુ થાય છે જેથી કચ્છભરના દર્દીઓ ભુજમાં સારવાર લેવા આવતા હોય છે. મરણના કારણે પ્રમાણપત્રો નગરપાલિકા આપે છે. જેથી સૌથી વધુ ડેથ સર્ટી ભુજમાંથી ઈસ્યુ થાય છે. ઉપરાંત હાલમાં ઓનલાઈન મરણ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે હોસ્પિટલમાં દર્દીનું મોત થાય ત્યાં મોબાઈલ નંબર આપવાથી મોબાઈલમાં લીંક આવે છે જેના પરથી ઓનલાઈન દાખલો મેળવી શકાય છે. જે દરેક સરકારી કચેરીઓમાં માન્ય છે.