ભુજમાં પાણીપુરી ખાધા બાદ પૈસા ન આપી નાના ધંધાર્થીને ઝીંકાઈ છરી

ભુજ : શહેરના આશાપુરાનગરમાં પાણીપુરી ખાધા બાદ તેના પૈસા ન આપીને એક શખ્સે નાના ધંધાર્થીને છરીથી માર માર્યો હતો. બનાવને પગલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જાગેશ્વર પ્રાગ પ્રજાપતિએ આરોપી નવલો મહેશ્વરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી તેની લારીમાંથી પાણીપુરી ખાધી હતી. જેના પૈસાની માંગણી કરતા આરોપીએ નાણાં આપવાની ના પાડી હતી અને ફરિયાદીને ભૂંડી ગાળો આપીને લાત મારી પાડી દઈ, ભેંઠમાંથી છરી કાઢીને ફરિયાદીને મોઢામાં, ગાલમાં અને હાથની હથેળીમાં ઘા ઝીંકાયા હતા. પાણી પુરીના પૈસા બાબતે દાદાગીરી કરીને આરોપીએ નાના ધંધાર્થીને છરી મારી દેતા ચકચાર મચી ગઈ હતી. બનાવને પગલે ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધતા હેડ કોન્સ્ટેબલ નીરવ ડામોરે આગળની તપાસ હાથ ધરી છે.