ભુજમાં પરિણીતાની એકલતાનો લાભ લઈ બે શખ્સોએ છરીની અણીએ આચર્યું દુષ્કર્મ

રાત્રિના સમયે ઘરમાં ઘુસી બે શખ્સોએ પરિણીતાના ગળા પર છરી તાકી અને અન્ય બે શખ્સોએ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો : મોડી રાત્રે હોસ્પિટલ ચોકીએ જાણવા જોગ ફરિયાદ થયા બાદ એ-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા) ભુજ : શહેરમાં દિનપ્રતિદિન મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે તાજેતરમાં મહેરઅલી ચોક પાસે સરાજાહેર સગીરાની છેડતીનો મુદ્દો તાજો છે તેવામાં સંજોગનગરમાં પરિણીતાની એકલતાનો લાભ લઈ બે શખ્સોએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ગત મોડી રાત્રે બનેલા બનાવ અંગે શહેર એ-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.
હોસ્પિટલ ચોકીએથી પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રિના ૧રથી ૧ વાગ્યાના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો. સંજોગનગરમાં રહેતી ર૦ વર્ષિય પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ચાર શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા. જેઓએ છરીની અણીએ પરિણીતાની મરજી વિરૂદ્ધ બળાત્કાર આચર્યો હતો. ભોગ બનનારના પતિએ હોસ્પિટલ ચોકીએ આપેલી કેફીયત પ્રમાણે પોતે રાત્રે ચોકમાં બેઠો હતો ત્યારે ૧ વાગ્યાના અરસામાં પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, અકબર મીયાણા અને નુરમામદ બાફણ નામના બે આરોપીઓએ બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું હતું. તેમની સાથેના બે અજાણ્યા ઈસમોએ હાથ પકડી રાખી મોઢું દબાવી રાખી ગળા પર છરી રાખી હતી. દુષ્કર્મ આચર્યા બાદ ચારે આરોપીઓ નાસી ગયા હતા. ભોગ બનનારને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસમાં તપાસ કરતા દુષ્કર્મની ફરિયાદ સવારે નોંધાઈ હોવાની વાતને સમર્થન અપાયું હતું. આ કેસની તપાસ પીઆઈ પી.એમ. ચૌધરી સંભાળી રહ્યા છે.