ભુજમાં નિવૃત્ત શિક્ષક દંપત્તિના ઘરમાંથી થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ

ઘરકામ કરતી મહિલાને પોલીસે ઝડપી 4.36 લાખના સોના-ચાંદીના દાગીના કર્યા રિકવર

ભુજ : શહેરના જ્યુબિલી સર્કલ નજીક આવેલા અક્ષયરાજ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપત્તી અનસુયાબેન અને જયંતીલાલ પોલરાના ઘરમાંથી 4.36 લાખના ઘરેણા અને રોકડ રકમની ચોરી થઈ હતી. જે બનાવને પગલે શકદાર આરોપી તરીકે રસોઈ કરવા માટે આવતી ભારતીબેન સલાટ નામની મહિલા વિરૂદ્ધ ગુનો નોંધાવાયો હતો. ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે દંપત્તિના ફ્લેટમાંથી .૭૩ ગ્રામ વજનના સોનાચાંદીના દાગીના, ૪૦ હજારની રોકડ રકમ, બે મોબાઈલ ફોન મળીને કુલ ૪ લાખ ૩૬ હજાર પ૦૦ની માલમત્તા ચોરાઈ હતી. બનાવને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી મહિલાની યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપી ભારતીબેન મનહરભાઈ સલાટની પોલીસે વિધિવત ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ કાર્યવાહીમાં પીઆઈ એમ.જે. ચૌધરીની સુચનાથી પીએસઆઈ વાય.પી. જાડેજા, કોન્સ્ટેબલ શૈલેષભાઈ ટાંક, મુકેશભાઈ તરાલ, લાખાભાઈ બાંભવા સહિતના જોડાયા હતા.