ભુજમાં દિનદહાડે રહેણાંક મકાનમાં ઘુસીને લૂંટ કરાતા ચકચાર

શિખ પરિવારના ઘરમાં ઘુસેલા બે શખ્સોએ મહિલા સાથે જપાજપી કરી સોનાની ચેઈન અને કાનની રીંગ લૂંટીને ફરાર

ભુજ : જિલ્લામાં ચોરી લૂંટના બનાવો બેજીજક બની રહ્યા છે. અસમાજિક તત્વો જાણે કાયદાને પડકાર ફેંકતા હોય તેમ દિનદહાડે ચોરી, લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેવામાં ભુજની ઓરિયેન્ટ કોલોનીની પાછળ આવેલ ઈન્દિરા નગરીના એક રહેણાંક મકાનમાં દિનદહાડે લૂંટનો બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ઈન્દિરા નગરીમાં રહેતા મહેન્દ્રસિંઘ જાગીરસિંઘના રહેણાંક મકાનમાં લૂંટનો બનાવ બન્યો હતો. મહેન્દ્રસિંઘના પત્નિ પલવંત કૌર આજે બપોરે અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘેર એકલા હતા, તે દરમિયાન બે અજાણ્યા ઈસમો તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા. અને મહિલા સાથે જપાજપી કરીને તેના ગળામાં પહેરેલી દોઢ તોલા સોનાની ચેઈન અને કાનની એક રિંગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લૂંટની ઘટના અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.