ભુજમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા

સતત ધમધમતા સ્ટેશન રોડ ઉપરની ઘટના : મહારાષ્ટ્ર બેંક બહાર લાગેલા સીસી ટીવી કેમેરા તોડી તસ્કરોએ અર્ચના એજન્સી સહિત ત્રણ દુકાનમાં કર્યો હાથફેરો

ભુજ : શહેરના ર૪ કલાક માણસો, વાહનોથી ધમધમતા સ્ટેશન રોડ ઉપર હોટલ પ્રિન્સ પાસે આવેલ દુકાન તથા ન્યુ સ્ટેશન રોડ પર બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી મસમોટી માલમતા તફડાવી જતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ અર્ચના એજન્સી નામની દુકાનને તસ્કરોએ રાત વચ્ચે નિશાન બનાવી હતી. તસ્કરો શાણા અને ચાલાક હોઈ દુકાનની બાજુમાં આવેલ મહારાષ્ટ્ર બેંક બહાર લાગેલા સીસી ટીવી કેમેરાને તોડી નાખ્યા હતા. ત્યારબાદ અર્ચના એજન્સી નામની દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનમાં કઈ પણ ન ગયું ન હોવાનું જણાવ્યું હતું. ચોરીના બનાવની જાણ થતા દુકાનદાર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પીઆઈ એમ.એન. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ બનાવ સ્થળે ધસી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ર૪ કલાક સતત ધમધમતા સ્ટેશન ઉપર અર્ચના એજેન્સીની બાજુમાં જ મહારાષ્ટ્ર બેંકનું એટીએમ આવેલ છે. તસ્કરોએ જા એટીએમમાં ચોરી કરી હોત તો મસમોટી રોકડ ચોરાઈ હોત. બેંકની બાજુમાં જ આવેલ હોટલ પ્રિન્સમાં ચોકીદારો હોઈ છે. ચોરી થઈ તેસે કોઈનું ધ્યાન નહીં ગયું હોય ? ચોર શખ્સોએ ન્યુ સ્ટેશન રોડ ઉપર આવેલ એક ગેરેજના તાળા તોડી તેમાંથી પાના ચોર્યા અને ગેરેજની બાજુની દુકાન તથા અર્ચના એજેન્સી નામની દુકાનના તાળા તોડ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાયેલ ન હોવાથી કઈ દુકાનમાંથી કેટલી માલમતા ચોરાઈ તે જાણી શકાયેલ નથી. ચોરીના બનાવની જાણ થતાં શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર એમ.એન. ચૌહાણ તથા તેમની ટીમના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, હરીશચંદ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. અને ચોર શખ્સોને ઝડપી પાડવા છાનભીન શરૂ કરી દીધી હતી.