ભુજમાં ત્રણ દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનમાં રામ રોટી કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક ભોજન અપાશે

ભુજ : શહેરમાં આવનાર કે રહેનાર ભૂખ્યો ન રહે તે સુત્રને વરેલી સંસ્થા રામ રોટી અને છાશ કેન્દ્ર ભુજ દ્વારા લોકડાઉન દરમ્યાન દરેક વર્ગના લોકો માટે વિનામુલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થાનો લોક ઉપયોગી નિર્ણય ટ્રસ્ટી મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. ભુજની સૌથી જુની સંસ્થાઓ પૈકીની એક આ સંસ્થા દ્વારા છેલ્લા ૩પ વર્ષોથી દરિદ્રનારાયણોને તથા શ્રમજીવીઓને વિનામુલ્યે તથા નોકરીયાત અને મધ્યમ વર્ગને રૂા. ર૦ ટોકન દરથી બંને ટાઈમ મિષ્ઠાન – ફરસાણ સાથેનું પૌષ્ઠિક ભોજન પીરસવામાં આવે છે. હાલમાં કોરોનાની મહામારીમાં ભુજ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોજ, રેસ્ટોરેન્ટ, ડાઈનીંગ હોલ, લારીવાળા વગેરે બંધ હોવાથી અને ભુજ જિલ્લાનુું મથક હોવાથી ભુજમાં સારવાર માટે આવનાર દર્દીઓ, દર્દીઓના સગાઓ, ખાસ ફરજ પરના કર્મચારીઓ, કોરોના વોરીયર્સ તથા અન્ય લોકોને ખાવા-પીવાની કોઈ જાતની તકલીફ ન પડે તે હેતુથી સંસ્થા દ્વારા તમામ લોકો માટે નિઃશુલ્ક ભોજન તથા દર્દીઓ માટે નિઃશુલ્ક ટીફીનની વ્યવસ્થાનો લોકોની ચિંતા સેવીને સમાજઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ લેવા તમામ વર્ગના લોકોને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.