ભુજમાં ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંગે રાજ્યમંત્રીની વેપારીઓ સાથે બેઠક

વીકએન્ડ લોકડાઉન અંગે આવતીકાલે કલેક્ટર કચેરીમાં યોજાનાર બેઠકમાં લેવાશે નિર્ણય

ભુજ : કોવિડ-૧૯ મહામારી સામે લડવા માટે લોકડાઉન જરૂરી છે, તે હેતુથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં ભુજમાં ત્રણ દિવસ લોકડાઉન કરવા અંગે મોકલાયેલી દરખાસ્ત અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોવિડ-૧૯ મહામારી બેકાબુ બની રહી છે ત્યારે તેને અટકાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાસણભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ભુજમાં શુક્ર, શનિ, રવિ ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રીને કેરલી દરખાસ્તના પગલે ભુજમાં ત્રણ દિવસના સંપૂર્ણ લોકડાઉન અંગે વેપારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભુજના તમામ વેપારી એસોસિએશન ઉપસ્થિત રહેતા લોકડાઉનનું સમર્થન આપવાની ખાત્રી આપી હતી. જેથી ગુરૂવારે રાત્રે ૮ વાગ્યાથી સોમવારના સવારે છ વાગ્યા સુધી લોકડાઉન કરાય તેવુ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. ઉપરાંત માંડવીમાં પણ ગુરૂવારથી સોમવાર સુધી લોકડાઉન અંગે વાસણભાઈ આહિર, વિરેન્દ્રસિંહ જાડેજાએ વેપારીઓ સાથે મળી ચર્ચા કરી હતી. જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે., સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નિમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર વગેરે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ અંગે હજુ આવતીકાલે બુધવારે કલેક્ટર કચેરી ખાતેથી ભુજમાં લોકડાઉન અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે. તો ભુજમાં સંપૂર્ણ લોકડાઉન અંગે વેપારી અનિલભાઈ રાજગોરે જણાવ્યું હતું કે, કોરોના સામેની લડત માટે લોકડાઉન મુખ્ય શસ્ત્ર છે. આ કોરોના મહામારીની ચેન તોડવા માટે લોકડાઉન જરૂરી છે. વેપારી એસોસિએશન પણ તેનું સમર્થન કરે છે.