ભુજમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન :યુવાઓ ઉત્સાહપૂર્વક જોડાયા

  • રાજ્યમાં પ્રથમ વખત
  • આર.ડી. વરસાણી હાઈસ્કૂલ ખાતે સવારે ૮ થી ૧૧ની સેશન યોજાયા બાદ સાંજે ૪ થી ૭ ની બીજી સેશન યોજાશે
    વાહનમાં આવેલા લાભાર્થીઓને વાહનમાં જ રસી અપાઈ અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ઝુંબેશ છેડવા સોશિયલ મીડિયામાં માંગ

(બ્યુરો દ્વારા)ભુજ : હાલમાં સમગ્ર રાજયમાં વેક્સિનેશન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે કચ્છમાં પણ ૧૮ પ્લસ રસીકરણ શરૂ થતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ સાંજે છ વાગ્યે જિલ્લા પંચાયત દ્વારા આવતીકાલના રસીકરણ માટે સેશન સાઈટ ખુલી મુકાય છે. થોડીવારમાં જ રજીસ્ટ્રેશન ફુલ થઈ જતા ઘણા લોકો રસીથી વંચિત રહે છે. શહેરમાં રહેતા ઘણા યુવાનો અન્ય તાલુકામાં જઈ રસી મુકાવી રહ્યા છે, તે વચ્ચે ડ્રાઈવ થ્રુ ટેસ્ટીંગની જેમ પ્રથમ વખત ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કચ્છ જિલ્લામાં યોજવામાં આવ્યું છે. પ્રાયોગિક ધોરણે આજે ભુજમાં આર.ડી. વરસાણી હાઈસ્કૂલ ખાતે આ પ્રકારે પ્રથમ સેશન યોજવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના જણાવ્યા પ્રમાણે પ્રાયોગિક ધોરણે ભુજમાં ૧૮ પ્લસ વેક્સિનેશન માટે આર.ડી. વરસાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સાઈટ યોજવામાં આવી છે. આજે સવારે ૮ થી ૧૧ વાગ્યાની સેશનમાં ૧૦૦ અને સાંજે ૪ થી ૭ વાગ્યાની સેશનમાં ૧૦૦ લાભાર્થીઓને રસી આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો હતો, જેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવાયો હતો. લાભાર્થીઓને રસી આપતા તાલુકા હેલ્થ કચેરીમાં ફરજ બજાવતા ડોકટર ખુશ્બુ ભાનુશાલીએ કહ્યું કે, રાજ્યમાં પ્રથમ વખત ભુજ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન આયોજીત કરાયું છે. જેમાં અગાઉથી રજીસ્ટ્રેશન કરાવનારા લાભાર્થીઓને વાહનમાં રસી અપાઈ છે. બન્ને સ્લોટમાં વેક્સિનેશન ડ્રાઈવમાં લાભાર્થીઓનો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.તો રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે કહ્યું કે, ૧૮ પ્લસ વેક્સિનેશનમાં ૬પ૪૦ યુવાનોએ સફળતા પુર્વક રસી લીધી છે. દરરોજ દરેક તાલુકામાં એક સરકારી દવાખાનામાં સેશન આયોજીત કરાય છે. દરરોજ સાંજે છ કલાકે જિલ્લા પંચાયત દ્વારા આવનાર દિવસ માટેની રસીકરણ સાઈટ જાહેર કરાય છે, જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સવારે ૯ થી સાંજે ૬ સુધીના સમયગાળા દરમ્યાન જે લાભાર્થીને સોફટવેર મારફતે મેસેજ આવેલ હોય તે રસી મુકાવી શકે છે. પ્રથમ વખત આર.ડી. વરસાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનું આયોજન ઈન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ કરાયું છે. આ સેશનનો મેઈન હેતુ એ છે કે, લાભાર્થી પોતાના વાહનમાં આવી વેક્સિન મુકાવે છે જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે. કોઈના ટચમાં ન આવવાથી ઈન્ફેકશન સ્પ્રેડ થવાના ચાન્સ ઝીરો થઈ જાય છે, જેથી સંક્રમણ વ્યાપ વધતો નથી.