ભુજમાં ઝડપાયેલા ગૌમાંસ અંગે બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

રહેણાંક મકાનમાંથી કબજે કરાયેલા ગૌમાંસનો એફએસએલ રીપોર્ટ આવ્યા બાદ નોંધાયો ગુનો

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : શહેરના આશાપુરા નગરમાં આવેલી બીલાલ મસ્જિદની બાજુમાં રહેણાંક મકાનમાંથી ભુજ શહેર એ ડિવિઝન પોલીસે દોઢ કિલો ગૌ માસનો જથ્થો ઝડપી પાડયો હતો. ઝડપાયેલા માસના જથ્થાના સેમ્પલ એફએસએલ રીપોર્ટ માટે મોકલાયા બાદ પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ ભુજ અને ભારાસરના બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ ડિવિઝન પોલીસે શહેરના આશાપુરા નગરમાં આવેલી બીલાલ મસ્જિદની બાજુમાં રહેતા ગફુર મામદ નોતિયારના મકાનમાં ગત તા. ર૬-૬ના દોઢ કિલો ગૌવંશના માસનો જથ્થો ઝડપી પાડયો હતો. આરોપી ગફુરે આ જથ્થો ભુજના માનકુવા નજીક આવેલા ભારાસરમાં રહેતા અલી મોખા પાસેથી વેંચાણ અર્થે લીધો હતો. માસના વેંચાણ માટે જરૂરીયાત ઉભી ન થઈ હોવા છતા પશુઓની ક્રુરતાપૂર્વક કતલ કરીને આરોપી અલી મોખાએ ગૌવંશની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગફુરના ઘરમાંથી કબજે કરેલા માંસના જથ્થાના સેમ્પલ એફએસએલ મોકલ્યા બાદ તેનો રીપોર્ટ આવતા બન્ને આરોપીઓ વિરૂદ્ધ પશુ સંરક્ષણ ધારા અધિનિયમની કલમ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ વાય. પી. જાડેજાએ હાથ ધરી છે.