૩૦૦ ગ્રામ ગાંજો અને કફસીરપ અને નશીલા ઔષધનો જથ્થો આપનારા બે શખ્સોના નામ

ભુજ : સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ફરી એક વખત ભુજમાંથી ગાંજો અને નશીલી દવાઓ સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા હતા. આ અગાઉ પણ મિરઝાપર હાઈવે પરથી એસઓજીએ ત્રણ યુવાઓને પકડયા હતા. તો લખપતમાં અફીણના ડોડા સાથે આરોપી માલધારી ઝડપાયો હતો.શહેરમાં આત્મરામ સર્કલથી આરટીઓ સર્કલ તરફ જતા રોડ પર જથ્થાબંધ માર્કેટ જવાના રસ્તે આવેલ ચાની હોટલ પાસેથી એસઓજીએ આ જથ્થો બરામત કર્યો હતો. ભુજ બી-ડિવિઝન પોલીસમાં એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.આર.ઝાલાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, બાતમીના આધારે તેઓએ સ્થળ પરથી કેમ્પ એરિયામાં રહેતા ફેઝલ જાકબ ઉર્ફે યાકુબ માંજોઠી અને અશફાક અયુબ ચૌહાણ નામના યુવાનોને ઝડપી પાડયા હતા. તેઓ પાસેથી ૩ હજારની કિંમતનો ૩૦૦ ગ્રામ ગાંજો કબજે કરવામા આવ્યો છે. તેમજ નશીલા ઔષધ તરીકે કફશીરપની બે બોટલો કિંમત રૂા.૧૪૦ તેમજ ટેબલેટના ૬ પાનામાંથી ૮૯ ગોળીઓ કિંમત રૂા.પપ૪નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે પાસપરમીટ કે આધાર પુરાવા રાખ્યો હોવાથી કબજે કરવામાં આવ્યો છે. તેમજ મોબાઈલ અને રોકડ મળી આરોપીઓ પાસે ૭પ૭પનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગાંજો આપનાર શખ્સ તરીકે ગાંધીધામના ખોડિયાનગરમાં રહેતા રમણીકભાઈ દેવીપુજકનું નામ સામે આવ્યું હતું, જ્યારે નશીલા ઔષધનો જથ્થો આપનાર તરીકે આદિપુરમાં મૈત્રી સ્કૂલની બાજુમાં આવેલા રૂદ્રાક્ષ મેડિકલના જવાબદાર સંચાલકનું નામ સામે આવ્યું હોવાનું ફરિયાદમાં પીઆઈએ જણાવ્યું હતું. ગાંજો અને દવા આપનાર શખ્સની તપાસ ચાલુમાં છે. તમામ આરોપીઓ સામે ભુજ બી-ડિવિઝન પોલીસમાં એનડીપીએસ એક્ટની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.