ભુજમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર ચિટરના રિમાન્ડ મંજુર કરતી અદાલત

નેશનલ કન્સ્ટ્રકશન પેઢીના સંચાલકો પાસે જેના રૂપિયા ફસાયા છે તેવા દોઢ સો લોકોએ પોલીસને આપી લેખિત અરજીઓ : ૬૦૦ કરોડની ચર્ચાઓ થતી હતી જેના સામે પોલીસ મથકે માત્ર ૧૯.૩પ કરોડની ફરિયાદ નોંધાઈ હતી તો સત્ય શું ? ભોગ બનેલાઓએ પોલીસ સમક્ષ આગળ આવવું હિતાવત

ભુજ : નેશનલ કન્સ્ટ્રકશન પેઢીના સંચાલકો પિતા-પુત્રે લોકોના કરોડો રૂપિયા લઈને ચિટીંગ કરી નાસી છુટ્યા હતા જે પૈકી પેઢીના સંચાલકને પોલીસે પકડી પાડી સાત દિવસના રિમાન્ડ ઉપર લઈ પૂછપરછ હાથ ધરેલ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૯.૩પ કરોડની ચિટીંગમાં ફરિયાદી પરબત જાદવા વરસાણીએ હાઈકોર્ટમાં અરજી કરેલ અને કોર્ટના આદેશથી નેશનલ કન્સ્ટ્રકશન પેઢીના સંચાલક રમેશ ખીમજી પટેલ હાલાઈ સામે ફોજદારી નોંધાઈ હતી. રમેશ હાલાઈ ઈન્ડોનેશિયા જવાની પ્રેરવી કરતો હતો ત્યારે લુક આઉટ નોટીસ આધારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ફરિયાદીના વકીલ એસ.ટી. પટેલે વિદેશ મંત્રાલયને દસેક દિવસ પૂર્વ ઈ-મેઈલ કરી આરોપીને પકડી પાડવા જાણકારી આપી હતી. આ કેસમાં જે-તે વખતે ૬૦૦ કરોડની ચિટીંગ થઈ હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી અને પોલીસ મથકે માત્ર ૧૯.૩પ કરોડની ફરિયાદ નોંધાઈ હતી. ચિટરોના હાથે ભોગ બનેલ દોઢસો વ્યકિતઓએ પોલીસને અરજી આપી છે તો ૬૦૦ કરોડનો ભોગ બનેલ અન્ય વ્યકિતઓ પોલીસ સમક્ષ આવે તો ત્યારે વધુ ચોકાવનારી વિગતો સપાટી ઉપર આવી શકે તેમ છે.