ભુજમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત કરાઈ ચર્ચા

ભુજ : અહીંના શાહ કોમર્શિયલ સેન્ટર ખાતે પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ રોહિતભાઈ ગોર અને આપના ગુજરાત સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણીના અધ્યક્ષ સ્થાને પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બેઠક યજાઈ હતી, જેમાં સંવેદના મુલાકાત, રસીકરણ બાબતે અવેરનેસ કાર્યક્રમ, તપાસ કેન્દ્રો વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

સંગઠન મંત્રી રમેશભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બેઠકમાં આગામી ર૦રરમાં આવનાર ઈલેક્શનને લઈને અને કોરોનાની બીજી લહેરમાં સરકાર પ્રજાને આરોગ્ય માટે દવા, બેડ, ઓક્સિજનની વ્યવસ્થા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે કોરોનામાં ઘણા લોકોએ સ્નેહીજનો ખોયા છે, તે માટે આમ આદમી પાર્ટીના ઈશુદાનભાઈ ગઢવી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલિયા, પ્રભારી ગુલાબભાઈ યાદવ, કિશોરભાઈ, સહસંગઠન મંત્રી મનોજભાઈ સોરઠિયા તથા પ્રદેશની ટીમ સમગ્ર ગુજરાતની અંદર ફરીને જે લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને રર જૂનથી રર જૂલાઈ સુધી સાંત્વના પાઠવશે સાથો સાથ જે લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. તેની યાદી તૈયાર કરાશે અને જે બાળકો અનાથ થયા છે, તેમને સહાય માટેની સુવિધા ઉભી કરવામાં આવે તેમજ જે મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારજનોને વળતર આપવામાં આવે તે માટે ગુજરાતમાં સંવેદના મુલાકાતનું આયોજન કરાયું છે. તેના રૂટ અને સમીક્ષા માટે આ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાની કારોબારી હાજર રહી હતી. લોકોના ઓક્સિજન લેવલ માપવા માટે કચ્છના દરેક ગામની અંદર તપાસ કેન્દ્રો શરૂ કરાશે. જે લોકોએ રસી નથી લીધી તેમના માટે રસી અવેરનેસ પ્રોગ્રામ પણ શરૂ કરાશે. આ તમામ કામગીરી માટે જિલ્લાની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકમાં ગુજરાત સહસંગઠન મંત્રી કે.કે. અંસારી, ચિંતન ઠક્કર, વનરાજસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અંજારમાં ભાજપ-કોંગ્રેસથી કંટાળીને અનેક યુવાનો આપ સાથે જોડાયા

અંજાર : પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીની બેઠક અંજાર સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્ય સંગઠન મંત્રી રમેશ નાભાણીએ હાજરી આપીને ચર્ચા કરી હતી. જેમા કચ્છમાં સંગઠનને લઈને ચર્ચા કરાઈ હતી. તો આગામી દિવસોમાં પ્રદેશ ટીમની કચ્છ મુલાકાત લઈને પણ ચર્ચા કરાઈ હતી. ત્યાર બાદ મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં યોજવાની છે, જેમા આમ આદમી પાર્ટી દ્વારા તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી હતી. કેજરીવાલે ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં આપના સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ત્યારે સમગ્ર કચ્છમાં આમ આદમી પાર્ટી આગેવાનો નવા કાર્યકર્તાઓને આપમાં જોડીને પાર્ટીને મજબૂત બનાવવા કમર કસી રહ્યા છે. તેવામાં પૂર્વ કચ્છ જિલ્લા તથા અંજાર શહેરના ૪૫ જેટલાં કાયકર્તાઓએ ભાજપ અને કોંગ્રેસની નીતિથી કંટાળીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ જીતેન્દ્રભાઈ ઠક્કર, ગુજરાત સહ સંગઠન મંત્રી કે.કે અન્સારી, અંજાર શહેર પ્રમુખ હિરેન સોરઠીયા, ઉપપ્રમુખ યોગેન્દ્ર સિંહ જાડેજા, અંજાર તાલુકા પ્રમુખ પ્રશાંતભાઈ ભટ્ટ, જ્યેશભાઈ ભટ્ટ તેમજ યુવાવર્ગ જોડાયો હતો.