ભુજમાં આજથી ૮ વાગ્યા બાદ ઘરની બહાર નિકળ્યા તો ખેર નથી

જિલ્લા મથક ભુજ શહેરમાં રાત્રી કર્ફ્યુનો થશે કડક અમલ : એસપી સૌરભસિંઘ

ભુજ : રાજ્યમાં કોરોના સંક્રમણ વકરતા ર૦ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયું છે, જેમાં કચ્છના ભુજ અને ગાંધીધામ શહેરનો સમાવેશ થાય છે. આજથી રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. આ સમય ગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે જણાવ્યું કે, ભુજ શહેરમાં પણ કેસો વધી રહ્યા હોવાથી સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે, જેનો કડક અમલ કરવામાં આવશે. શહેરના જુદા જુદા પોઈન્ટ પર પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. તેમજ પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરશે. હાલમાં કોવિડ જનજાગૃતિ રથ પોલીસ દ્વારા ચલાવાઈ રહ્યો છે. જયારે માસ્કની કામગીરી પણ વધારવામાં આવી છે. જાહેરનામા ભંગની કાર્યવાહી પણ શરૂ છે. ૮ વાગ્યા પછી કોઈ શહેરીજનો ઘરની બહાર નિકળશે તો કાર્યવાહી કરવામાં આવશે, જેથી ૮ વાગ્યા પહેલા લોકોને પોતપોતાના ઘરે પહોંચી જવા અપીલ કરી હતી. કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ શહેરમાં ૮ વાગ્યા બાદ પ્રવેશે તો શું પગલાં લેવાશે તેવું પુછતા એસપીએ જણાવ્યું કે, કંપનીઓ દ્વારા કામદારોને ઘરે વહેલા જવા માટે રજા આપવી પડશે.