ભુજમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ

ભુજ : શહેરના તુફાન સ્ટેન્ડ પાસેથી માંડવી તાલુકાના હમલા મંજલની સગીર કન્યાને અપહરણ કરી જતા શખ્સ સામે વર્ષ ર૦૧૭માં શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાઈ હતી. ત્યારથી નાસતા ફરતા આરોપીને પોલીસે મહારાષ્ટ્રમાંથી પકડી પાડ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભુજ સિટી એ ડિવિઝન પોલીસ મથકે વર્ષ ર૦૧૭માં માજીદખાન અખતરખાન (રહે અચલપુર, જિલ્લો અમરાવતી, મહારાષ્ટ્ર) વિરૂદ્ધ આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોક્સો કલમ ૪-૮ હેઠળ ગુનો નોંધાયેલ ત્યારથી આરોપી નાસતો ભાગતો હોઈ પશ્ચિમ કચ્છ એસ.પી. એમ. ભરાડા તથા નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.જે. જલુની સુચનાથી સહાયક ફોજદાર રામસિંહ સોઢા તથા હરિશચંદ્રસિંહ જાડેજા અને સુરેન્દ્રસિંહ ઝાલાએ બાતમીના આધારે મહારાષ્ટ્ર જઈ આરોપીને પકડી પાડયો હતો. પકડાયેલા આરોપીને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.