ભુજપુરમાંથી બે શખ્સોએ સગીર કન્યાઓનું અપહરણ કરી આચર્યું હતું દુષ્કર્મ

વૈજ્ઞાનિક પદ્ધતિથી પોલીસે તપાસનું પગેરૂ દબાવતા જામનગરથી ઝડપી પાડયાઃ મેડિકલ તપાસ બાદ બંને કન્યાઓને માવતરોને સોંપીઃ આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

 

મુંદરા : તાલુકાના ભુજપુરમાંથી બે સગીર કન્યાઓના અપહરણ કરી જનાર બે શખ્સોનને પોલીસે જામનગરમાંથી ધરબોચી લીધા હતા. આરોપીઓ સામે બળાત્કારની કલમનો ઉમેરો થવા પોલીસે કોર્ટને રિપોર્ટ કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભુજપુરમાંથી સગીર કન્યાઓના અપહરણ થયા અંગે પોલીસ મથકે ફોજદારી નોંધાઈ હતી. પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડા, નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલના માર્ગદર્શન હેઠળ મુંદરા પીઆઈ એમ.એમ. ચૌહાણે, વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસનું પગેરૂ દબાવતા આરોપીઓ સુરેશ રમેશ પટ્ટણી તથા પોપટ રમેશ પટ્ટણીને જામનગર જિલ્લાના ચંગા ગામની સીમમાંથી સગીરાઓ સાથે પકડી પાડ્યા હતા. તમામના મેડિકલ તપાસણી કરાવતા દુષ્કર્મ આચર્યું હોવાનો અભિપ્રાય આપતા આરોપીઓ સામે પોક્સો તથા બળાત્કારની કલમનો ઉમેરો થવા કોર્ટને રિપોર્ટ કરેલ છે.
આરોપીઓ સગીરાઓનું અપહરણ કરી રાધનપુર – જામનગર વિસ્તારમાં નાસી ગયેલા જ્યાં તેમને કોણે કોણે આશરો આપેલો તે જાણવા આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરેલી, અપહૃત સગીરાઓ તથા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં પીઆઈ એમ.એન. ચૌહાણ સાથે સહાયક ફોજદાર નારણભાઈ રાઠોડ તથા શક્તિસિંહ ગોહિલ, દિગ્વિજયસિંહ ગોહિલ, રવજીભાઈ બરાડિયા, કુલદીપસિંહ રાણા વિગેરે જોડાયા હતા.