ભુજની શાન સમાન સ્મૃતિવન ક્યારે તૈયાર થશે ? સળગતો પ્રશ્ન

તંત્ર દ્વારા હરહંમેશ મ્યુઝિયમનું કામ પ્રગતિમાં હોવાનું ગાણું ગવાય છે, પરંતુ અન્ય પ્રકલ્પો ખૂલ્લા મૂકવામાં પીછેહઠ કેમ ? : ફેઝ-૧ તૈયાર થયાને વર્ષો વીતી ગયા પણ લોકાર્પણ ન થવાથી દિન-પ્રતિદિન વધી રહ્યું છે મેઈન્ટેનન્સ

ભુજ : કચ્છમાં આવેલા ભૂકંપમાં જે લોકો દિવંગત થયા તેની સ્મૃતિમાં ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં છેલ્લા પાંચ વર્ષથી સ્મૃતિવનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ તે ક્યારે પૂર્ણ થશે તે અંગે ખાલી તારીખો અપાય છે, પરંતુ અમલ થતો નથી. તંત્ર દ્વારા હરહંમેશ માત્ર મ્યુઝિયમનું કામ ચાલુમાં હોવાનું ગીત ગવાય છે, પરંતુ વાસ્તવિકમાં લોકો માટે આ પ્રોજેક્ટ ક્યારે ઉપયોગી બનશે તે અંગે હજુ પણ મતમતાંતર પ્રવર્તિ રહ્યા છે. આ અંગેની વાત કરીએ તો ફેઝ-૧માં ચેકડેમ, સનસેટ પોઈન્ટ, વૃક્ષારોપણ, રોડ-રસ્તા, સોલાર લાઈટ, બાઉન્ડ્રી, મેઈન ગેટ, સિક્યોરીટી પોઈન્ટ, લાઈટીંગ સહિતના મોટા ભાગના કામો આવરી લેવાયા હતા, જે પૂર્ણ થયાને પણ વર્ષથી વધુનો સમય વિતી ગયો છે. હવે માત્ર મ્યુઝિયમનું કામ જ બાકી છે તેમ છતાં તેમાં ઢીલાશ દાખવાતી હોવાથી મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે. ફેઝ-૧માં જે પ્રકલ્પો બનાવાયા છે તે વપરાશના અભાવે ધૂળ ખાતા થઈ ગયા છે. લોકોને તો ઉપયોગી ન આવ્યા, પરંતુ બાંધકામ બાદ તે એ જ પરિસ્થિતિમાં રહેતા હવે મેઈન્ટેનન્સ કરવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં લોકો માટે ખૂલ્લું મૂકવામાં આવતું નથી.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારની પ્રતિમા મૂકાયા બાદ પ્રવાસીઓને આવાગમન માટે છૂટ અપાઈ હતી. બાદમાં તબક્કાવાર અન્ય સુવિધાઓ વિકસાવાઈ હતી ત્યારે અહીં પણ જે પ્રકલ્પો બની ગયા છે તે લોકો માટે ખૂલ્લા મૂકી વિકાસ કામ યથાવત રખાય તો લોકોપયોગી સ્થળ પ્રવાસન માટે પસંદગીનું સ્થળ બની જશે, તેમાં પણ બેમત નથી.વડાપ્રધાન અને મુખ્યમંત્રી બેઠકો કરે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ યશ ખાટવા ફોટોસેશન કરે તેમ છતાં હજુ સુધી નપાણી નેતાગીરીના કારણે સ્મૃતિવનનું કામ પૂર્ણ થયું નથી તેવું કહેવું પણ ઉચિત ગણાશે.