ભુજની લાલન કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં કેબિનેટ કૃષિમંત્રી આર.સી. ફળદુ દ્વારા કરાશે ધ્વજવંદન

૧૫મી ઓગષ્ટ ૨૦૨૧નો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ભુજની લાલન કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. આ વખતે ભુજમાં ધ્વજ વંદન કેબિનેટ કૃષિમંત્રી આર.સી. ફળદુ રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે. કોરોના કાળમાં મર્યાદિત આમંત્રિત મહેમાનોની વચ્ચે આ કાર્યક્રમ યોજવામાં આવશે. જ્યારે કચ્છના પ્રભારી મંત્રી દિલીપ ઠાકોર ભરૂચમાં ધ્વજ વંદન કરશે. કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહિર બનાસકાંઠામાં 15મી ઓગસ્ટની ઉજવણીમાં જોડાશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લાલન કોલેજથી લાલ કિલાનો સુત્ર આપ્યો હતો. ત્યારે આજે  સ્વાતંત્રની પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેની પ્રેક્ટિસમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ કર્મચારીઓ દ્વારા થઈ રહી છે. તો ગઈકાલે કચ્છ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ગ્રાઉન્ડની સફાઇ, મંડપ, સ્ટેજ, ડેકોરેશન, રોશની, સાઉન્ડ સિસ્ટમ સહિત વિવિધ કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી. તો પોલીસ સબંધિત કામગીરી તેમજ પરેડ નિરીક્ષણ અંગેની તૈયારીઓ માટે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને જણાવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમતગમત અધિકારીને સૂચન કર્યુ હતું. ઉપરાંત મંત્રીની સ્પિચ તૈયાર કરવા માટે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે તમામ જાહેરાત માટે ડિઝાઈન અંગેની માહિતી વિભાગને સોંપાઈ હતી. તેમજ ભુજ નગરપાલિકાને શહેરની સફાઇ અંગે સૂચના આપી હતી.