• ટ્રાફિક શાખામાં અવેધ રકમ વસૂલવાનો રિવાજ બદલાશે ?
સબંધ અને આર્થિક વ્યવહારને સાચવવા સ્ટેશન ડાયરીમાં નોંધ બાદ છેકછાક કરી દંડની રકમ ઓછી અથવા નષ્ટ કરવાનું આયોજનબદ્ધ કારસ્તાનઃ નિર્દોષ વાહન ચાલકો તગડી રકમ ભરે અને વગદારો બારોબાર છુટી જાય તેવો તાલ
(બ્યુરો દ્વારા)ભુજ : કાયદાની અમલવારી જેના શીરે છે તેવા પોલીસદળમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે. સામાન્ય પોલીસ મથકોમાં ફરજ બજાવતા કર્મચારી, પ્રોહિબિશન, જુગાર સહિતના કેસોમાં ગજવા ગરમ કરતા હોવાના આક્ષેપો સમયાંતરે સામે આવે છે, તેમાં હવે પોલીસદળની જે બ્રાન્ચ કાયદેસરની આવક કરે છે. તેમાં પણ હવે ગેરકાયદેસર આવકે માજા મુકી છે. સબંધ અને આર્થિક વ્યવહારને સાચવવા સ્ટેશન ડાયરીમાં વાહન ડીટેઈનની જે નોંધ થયેલી હોય છે તેમાં ચેડા કરી હિતેચ્છુ વાહન ચાલકોને તગડા દંડની રકમથી બચાવવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન જે વાહન ચાલકો પાસે લાયસન્સ, આરસી બુક, પીયુસી સહિતના દસ્તાવેજો ન હોય તો વાહન ડીટેઈન કરવામાં આવે છે. ડીટેઈન કરતાં પૂર્વે ઘણી ભલામણોને રકઝકમાં સમાધાન થઈ જાય તો ઠીક છે. અન્યથા તરત જ મેમો ફાડી સ્ટેશન ડાયરીમાં નોંધ કરી વાહન ડીટેઈન કરી લેવાય છે. આ કામગીરી એટલી ઝડપે કરવામાં આવે છે કે વાહન ચાલકને વિચારવાનો પણ સમય મળતો નથી. ચોરી, લૂંટ સહિતની ઘટનામાં પોલીસની ગાડી ધીમે દોડે છે. જયારે લોકો પાસેથી કાયદેસર કે ગેરકાયદેસર નાણાં ઉઘરાવવાની વાત આવે તો વર્ધીમાં એનર્જીનો સંચાર થતો હોય તેમ તાત્કાલિક કામગીરી થતી જોવા મળી રહી છે. લાયસન્સ ન હોય તો ૪ હજાર, પીયુસી – વિમા ન હોય તો ર- ર હજારની રકમનો દંડ કરવામાં આવે છે. હાલની સ્થિતિમાં વાહનની કિંમત ર૦થી ૩૦ હજાર હોય અને તેમાં ૭- ૮ હજારનો દંડ આવે તો વાહન ચાલકો મેમો ભરવાનું પણ ટાળી દેતા હોય છે. જો આટલી રકમ ન હોય તો ઘણી વખત વાહન ચાલકો ટ્રાફિક પોલીસને વિનંતી કરી કંઈક સેટીંગ કરી આપવા ભલાભણ કરતા હોય છે. ઘણી વખત ટેલિફોનિક કે ઓળખાણની ભલામણ અને અંગત સબંધો પણ કામ કરી જતા હોય છે.સામાન્ય સંજોગોમાં જો તમારી પાસે લાયન્સન, પીયુસી, આરસી બુક ન હોય તો તરત વાહન ડીટેઈન થઈ જાય છે. ભલામણ કરો તો પણ કોઈ સેટીંગ થતું નથી, પરંતુ ગજવામાંથી ગાંધી બાપુને બહાર કાઢવામાં આવે તો તરત સાઈટમાં લઈ જઈ ગોઠવણ થતી હોવાના આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે. નવા કિમીયાની જો વાત કરીએ તો ટ્રાફિક શાખાના રજીસ્ટરમાં નોંધણી થયા બાદ દંડની રકમમાં કોઈ બાંધ છોડ થાય નહીં, પરંતુ આ નોંધણી કાગળના દસ્તાવેજો પર પેનથી થતી હોવાથી છેકછાક કરવામાં આવે છે. જેમ કે, કોઈ યુવાન લાયસન્સ વગર ઝડપાય અને વાહન ડીટેઈન થાય ત્યારે રજિસ્ટરમાંથી તેનું નામ વાઈટનરથી ભૂસી નાખી તેના બદલે ભળતું નામ કે ભાઈ – પિતાનું નામ રજૂ કરી લાયસન્સ બતાવી તેની દંડની રકમમાંથી છુટકારો અપાતો હોવાના કિસ્સા ઉજાગર થવા પામ્યા છે. એક વાહન ચાલક દંડની રકમ ભરવા ગયા ત્યારે ઉપરી અધિકારીઓએ રજિસ્ટરમાં નોંધ થયા બાદ કોઈ પણ બાંધ છોડ નહીં થાય તેવું જણાવ્યું પરંતુ રજિસ્ટર ચકાસતા ઘણી એવી નોંધો હતી કે જેમાં નામ વાઈટનરથી ભૂસી નાખી અન્યનું નામ દર્શાવી લાયસન્સ અને કાગળીયા રજૂ કરાયા હતા.આ પ્રકારે લાંબા સમયથી અમુક પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનું અસરગ્રસ્તો આક્ષેપ કરી રહ્યા છે. જિલ્લામાં કડક એસપીની છાપ ધરાવતા પોલીસવડા માત્ર એમવી એકટ કલમ ર૦૭ વાહન ડીટેઈન અંગેના રજીસ્ટરની ચકાસણી કરે તો આવી ગેરરીતિઓ સામે આવે તેમ છે. ટીઆરબી જવાનોને માત્ર ટ્રાફિક કંટ્રોલની જવાબદારી હોય છે, પરંતુ તેઓ પણ ચા કરતાં કીટલી ગરમ હોય તેમ વાહન ચાલકોને અટકાવી લાયસન્સ અને અન્ય દસ્તાવેજો ન હોવાની દમદાંટી કરી ગજવા ગરમ કરવા સાથે વાહન ડીટેઈન કરી રોફ જાડતા હોવાનો આક્ષેપ પણ વાહન ચાલકો કરી રહ્યા છે. હાલની સ્થિતિએ પણ ભુજના પોલીસ મથકોમાં ૪૦૦- પ૦૦ વાહનો ડીટેઈન થયેલા પાર્કિંગમાં પડ્યા છે. આવા સંજોગોમાં તગડા દંડની અપેક્ષા બદલે માનવીય વલણ દાખવી આવા વાહનો ઝડપથી મુકત કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે.
ટ્રાફિક પોલીસની લાલિયાવાડી સામે ઉચ્ચ અધિકારીઓ પગલાં લેશે.. ?
ભુજ : પોલીસની સૌથી વધુ છબી ખરડાતી હોય તો તે ટ્રાફિક શાખાના કારણે ખરડાય છે. ટ્રાફિક પોલીસની લાલિયાવાડીને કારણે લોકોને ઘણીવાર વગર વાંકે ર૦૦- પ૦૦ કે હજારની નોટ ઢીલી કરવી પડે છે. લોકો પણ એટલા જ બેદરકાર છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને તેનો લાભ પલળેલા ખાખીધારીઓ ઉઠાવે છે. ત્યારે પોલીસ પર જયારે જયારે પણ સવાલો ઉઠ્યા છે, ત્યારે પૂર્વ અને પશ્ચિમ કચ્છના બંને નવયુવાન તેમજ નિષ્ઠાવાન પોલીસ અધિક્ષકોએ કાર્યવાહી કરી છે અને ખાખીને પણ કાયદાના દાયરામાં રહીને કાયદો વ્યવસ્થા જાળવવાનું ભાન કરાવ્યું છે. ત્યારે આવા કિસ્સામાં જવાબદારો સામે કાર્યવાહી કરાશે કે કેમ તે મોટો સવાલ છે. સામાન્ય રીતે અન્ય શાખાઓ અને પોલીસ મથકોમાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરીને બદલી કે ફરજ મોકૂફ કરવાના પગલાં લે છે. ત્યારે ટ્રાફિક શાખામાં જે અવેધ રકમ વસૂલવાનો રિવાજ બની ગયો છે તે બદલી શકશે કે કેમ તે જોવું રહ્યું.
નખત્રાણામાં માસ્ક દંડની કામગીરી શંકાના દાયરામાં 
લોકોને અપાતી પાવતીમાં તારીખ અને સહી ન જોવા મળતાં ઉઠ્યા પ્રશ્નાર્થ
ભુજ : નખત્રાણામાં શરૂઆતથી પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા સબબ અપાતા દંડની કામગીરી વિવાદમાં રહી હતી. કારણ કે વેપારીઓ શરૂઆતથી આક્ષેપ કરતા આવ્યા છે. પોલીસ દ્વારા ખોટી રીતે વેપારીઓને એક હજારની પાવતી આપી પરેશાન કરવામાં આવે છે. તેવામાં હવે માસ્ક દંડની કામગીરી શંકાના દાયરામાં હોય તેમ પોલીસ દ્વારા અપાતા દંડની પાવતીમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિનું નામ અને સ્થળ લખવામાં આવે છે, પરંતુ તારીખ અને માસ્કનો દંડ કોણે વસૂલ્યો તેની વિગત ન દર્શાવાતી હોવાની માહિતી સામે આવી છે. પોલીસની મનમાનીથી વેપારી વર્ગે નારાજગી દર્શાવી હતી. મુખ્ય બજારમાં પોલીસ દ્વારા આડેધડ માસ્કનો એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો હોવાથી કચવાટ પણ પ્રવર્તી રહ્યો છે.