ભુજની જી.કે.માંથી ગોંડલનો કુખ્યાત ખંડણીખોર પોલીસ જાપ્તામાંથી ફરાર

આયોજનબદ્ધ રીતે કુખ્યાત શખ્સના સાગરીતોએ તેને ભગાડ્યો : બનાવને પગલે પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિત પાંચ શખ્સો સામે નોંધાયો ગુનો : ફરી પોલીસ જાપ્તામાંથી આરોપીઓ નાસવાનો સીલસીલો થયો શરૂ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : ગોંડલનો કુખ્યાત ખંડણીખોર ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. આરોપીને ભગાડવા માટે તેના બે સાગરીતોએ મદદ કરી પોલીસને ચકમો આપી ભગાડી ગયા હતા. બનાવને પગલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નાસી છુટેલા ખંડણીખોર અને તેના બે સાગરીતો સહિત ફરજમાં બેદરકારી દાખવનાર એક પીએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ થયો છે. જેમાં ફરજમાં બેદરકારી દાખવનાર બન્ને પોલીસ અધિકારી – કર્મચારીની અટક કરી લેવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના કુખ્યાત ખંડણીખોર નિકુંજ રમેશભાઈ ડોંગા ઉર્ફે નિખિલને ભુજની પાલારા ખાસ જેલમાંથી જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જયાંથી તેના બે સાગરીતો સાથે મળીને આરોપી પોલીસ જાપ્તાના અધિકારી – કર્મચારીને ચકમો આપી નાસી ગયો હતો. નિખિલ ડોંગા સામે કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવવા ઉપરાંત હત્યાના ૧પ જેટલા ગુના અને તેની ગેંગ સામે ૧૧૭ જેટલા ગુના નોંધાયેલા છે. આરોપીને ગોંડલની સબ જેલમાંથી ભુજની પાલારા જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. ગત ર૬મી માર્ચે ગેંગસ્ટર નિખિલ સહિતના ચાર કેદીને જાપ્તા સાથે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. નિખિલ સાથે એક પીએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલ જાપ્તામાં હતા. હોળીની રાત્રે બાર વાગ્યાના અરસામાં આરોપીના સુઈ ગયા બાદ પીએસઆઈ ગાગલે પ્રીઝનર વોર્ડના દરવાજાને અંદરથી હાથ કડી મારી દીધી હતી, ત્યાર બાદ તેમને અને કોન્સ્ટેબલને પણ નિંદર ચડતા તેઓ સુઈ ગયા હતા. રાત્રે ત્રણ વાગ્યે પીએસઆઈ ગાગલની આંખ ખુલી જતા જાગીને જોયું તો આરોપી નિખિલ ગાયબ હતો. પોલીસ સુતી રહી અને આરોપી નાસી ગયો હતો. બનાવને પગલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે કુખ્યાત ગેંગસ્ટર નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઈ ડોંગા અને તેનો સાગરીત ભરત અને એક અજાણ્યો શખ્સ ઉપરાંત પીએસઆઈ આર. બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશભાઈ રાઠોડ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસ કર્મીઓની ફરજમાં નિષ્કાળજી બલ ગુનો નોંધાતા બન્નેની અટક કરાઈ છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ આરંભવામાં આવી છે. આ ગુનાની તપાસ ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ અંગે ડીવાયએસપી જે. એન. પંચાલને પુછતા તેમણે કહ્યું હતું કે, હજુ સુધી આરોપી પોલીસ પક્કડમાં આવ્યા નથી.