ભુજની કોવિડની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ વધતા હાઉસફૂલના પાટિયા

પ્રાઈવેટ હોસ્પિટલમાં ભુજ ઉપરાંત આસપાસના શહેરોમાંથી પણ આવે છે દર્દીઓ

ભુજ : કચ્છમાં કોરોનાના કેસો દિન- પ્રતિદિન વધી રહ્યા છે, હવે તો રપથી ૩૦ કેસો દરરોજ સામે આવે છે ત્યારે ભુજમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. સરકારી ચોપડોતો ધીમે પગલે ચાલી રહ્યું છે. જેમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હોસ્પિટલો બહાર હાઉસફૂલના પાટિયા લગાવવાની નોબત આવી છે. ખાસ કરીને ભુજ શહેરમાં સર્વાધીક કેસો સામે આવતા હોય છે. સરકારી ચોપડે જેટલા કેસો બતાવાયા છે, તેના કરતાં વધુ કેસો છુપાવવામાં આવી રહ્યા છે. જેના કારણે સંક્રમણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે સરકારી કરતાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણે બેડની સંખ્યા પણ ફુલ થઈ જતાં દર્દીઓને અન્યત્ર ખસેડવાની તજવીજ શરૂ થઈ છે. જે દર્દીની સારી થવાની શરૂઆત થાય છે તેને ઘરે વધુ સારવાર કરવા માટે આગ્રહ કરાય છે. જેથી ખાનગી દવાખાના ગંભીર દર્દીને સરવાર આપી શકે. તેમજ સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને ઘરે જ રાખવામાં આવે છે. સરકારી તંત્ર હોસ્પિટલમાં જગ્યા ખાલી હોવાનું જણાવે છે, પરંતુ ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ વધતા સરકારી તંત્રના દાવાઓનો છેદ ઉડે છે, ત્યારે ગંભીર પરિસ્થિતિમાં લોકો સાવચેતી દાખવે તે જરૂરી છે.

સમાઘોઘામાં આંશિક લોકડાઉનનો અમલ શરૂ

ભુજ : દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, અને કચ્છમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામમાં ૧૩ દિવસનું આશિંક લોકડાઉન કરવા માટેનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે, જેનો અમલ શરૂ થઈ ગયો છે. સમાઘોઘા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં કોરોનાના ર૧ એક્ટિવ કેસ હોવાથી ૬ એપ્રિલથી ૧૮ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંશિક લોકડાઉનમાં બપોરના ૩ વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે, જે બાદ દુકાનો બંધ રહેશે. પ્રથમ દિવસે બપોર બાદ ગામમાં સુનકાર જોવા મળ્યો હતો. નોંધનીય છે કે સમગ્ર જિલ્લામાં વકરતી મહામારી વચ્ચે બીજી લહેરમાં સમાઘોઘા ગામ આંશિક લોકડાઉન લાગુ કરનારૂં પ્રથમ ગામ છે.