ભુજની કોર્ટમાં બોમ્બે સિરીયલ બ્લાસ્ટના આરોપીને રજૂ કરાતા ચાંપતો બંદોબસ્ત

એટીએસ દ્વારા નાર્કોટીક્સના કેસ સંદર્ભે આરોપીને તારીખ પર કોર્ટમાં કરાયો હતો રજુ

(બ્યુરો દ્વારા)ભુજ : જિલ્લા મથક ભુજની વડી અદાલતમાં અનેક આરોપીઓને રજૂ કરાતા હોય છે, પરંતુ આજે રજૂ કરવામાં આવેલા શખ્સને લઈને શહેરમાં ચર્ચા જાગી હતી. ભુજની કોર્ટ પરિસરમાં પણ આ શખ્સને રજૂ કરતી વખતે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. કેમ કે જે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો તે શખ્સ બોમ્બે સિરીયલ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો હતો. જો કે, આજે તેને ગુજરાત એટીએસ દ્વારા નાર્કોટીકસના કેસ સંદર્ભે કોર્ટની તારીખ પર પ્રોસીક્યુશનમાં રજૂ કરાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગત વર્ષે કચ્છમાંથી ઝડપાયેલા ડ્રગ્સના મામલામાં છ આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાઈ હતી. જેમાંથી પાંચ આરોપીઓને ભુજની પાલારા જેલમાં અને એક આરોપીને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલાયો હતો. નાર્કોટીકસના આ કેસ સંદર્ભે અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા આરોપી મુનાફ હાલારીને ભુજની અદાલતમાં તારીખ પર રજૂ કરાયો હતો. આરોપીનેે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. જેના કારણે વકીલ મિત્રો અને અન્ય કોર્ટ કચેરીના કામે આવેલા અરજદારોમાં અનેક પ્રકારના તર્ક વિતર્કો વહેતા થયા હતા. કોર્ટમાં આટલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા પાછળનું કારણ એ હતું કે, અહીંની કોર્ટમાં રજૂ કરાયેલો બોમ્બે સિરીયલ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો હતો. મળતી વિગતો મુજબ બાબરી ધ્વંસ્ત બાદ બોમ્બેમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં મુનાફની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ આરોપી વિરૂદ્ધ નાર્કોટીકસનો કેસ પણ ચાલે છે. ગુજરાત એટીએસ દ્વારા મુનાફને ઝડપી પાડવામાં આવ્યો હતો અને હાલ તે અમદાવાદની સાબરમતી જેલમાં રખાયો હતો. મુનાફની સાથે અન્ય પાંચ આરોપીઓ પણ ઝડપાયા હતા, જે ભુજની પાલારા જેલમાં છે.