ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર અને નગરપાલિકાની ટીમો દ્વારા સરકારી જમીન પર કરાયેલું અનઅધિકૃત દબાણ કરાયું દૂર

ભુજ : શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી જમીનો પર દબાણકારો દ્વારા દાબણ કરવામાં આવતું હોય છે. ઘણીવાર સામાજીક આગેવાનો કે જાગૃત નાગરીકો દ્વારા દબાણ અંગેની રજૂઆતો કરાતી હોય છે. જેને ધ્યાને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરાય છે ત્યારે ભુજની એન્જિનિયરીંગ કોલેજ પાસે રોટરી કોલોની નજીક સરકારી જમીન પર કરાયેલા દબાણને હટાવવા માટે અગાઉ નોટિસ ફટકાર્યા બાદ તંત્ર દ્વારા દબાણ હટાવાની કામગીરી હાથ ધરાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ ભુજની એન્જિનિયરીંગ કોલેજની બાજુમાં દીવાલને અડીને સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણ અંગે ભુજ મામલતદાર દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. સરકારી જમીન પર ગાયનો વાળો ઊભું કરી પતરાવાળી ઓયડી, અવાડા સહિતનું દબાણ કરવામાં આવ્યું હતું. આ અંગે તંત્ર દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. જેની સમયમર્યાદા પૂર્ણ થયે તમામ પ્રક્રિયા કરીને તંત્રની ટીમ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
આ અંગે ડિઝાસ્ટર મામલતદાર શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભુજમાં વિવિધ વિસ્તારોમાં સરકારી પડતર જમીન પર દબાણની પ્રવૃત્તિ કરાઈ રહી છે જે અંગે એન્જિનિયરીંગ કોલેજની દીવાલની બાજુમાં સરકારી પડત જમીન પર કરાયેલા દબાણ અંગે અગાઉ મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તમામ પ્રક્રિયાઓ સંપન્ન કરી દબાણકારને પોતાની રીતે પોતાનું દબાણ દૂર ખસેડી લેવા પણ જણાવાયું હતું. તેમ છતા સ્વૈચ્છિક રીતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા દબાણ પર જેસીબી ફેરવીને પતરાવાળા બાંધકામને તોડી પડાયું હતું. જે-તે વખતે તંત્ર દ્વારા નોટિસ ફટકારાઈ હતી, ત્યારે આ વિસ્તારમાં થયેલા દબાણ અંગે વિવાદ પણ સર્જાયો હતો. પાંચથી છ લોકો દ્વારા દબાણ કરાયું હોવા છતાં માત્ર બે જણને જ નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.ઉલ્લેખનીય છે કે, પ્રાંત અધિકારી મનિષ ગુરવાણી દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. તેઓ બદલીને ગયા બાદ ભુજમાં પુનઃ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારે અનેક વિસ્તારોમાં દબાણની પ્રવૃત્તિ ફુલીફાલી છે. એન્જિનિયરીંગ કોલેજવાળા માર્ગ પર ઉપરાંત ભુજના એરપોર્ટ રોડ પર, હીલગાર્ડનની સામે, એક્તા સુપરમાર્કેટના આસપાસના વિસ્તારમાં, કોડકી ચોકડી આસપાસના વિસ્તારમાં તેમજ મોટા ભાગના રોડ પર દબાણકારો દ્વારા મનફાવે તેમ સરકારી પડતર જમીન પર અંડીગો જમાવી લેવાયો છે ત્યારે તંત્ર દ્વારા માત્ર આટલી કામગીરીથી સંતોષ ન માનીને ઠેર-ઠેર થયેલા દબાણ પર કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી રહી છે.