ભુજના સૈયદપર ગામે ૭ એકર જમીનમાં ખેતી લાયક દબાણ દૂર કરાયું

કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ તંત્ર લોકોની રોજીરોટી છીનવવાનો પ્રયાસ કરતો હોવાની રાવ

ભુજ : કોરોના વાયરસની મહામારીએ ગંભીર ભરડો લઈ લીધો છે. શહેરો, ગામડાઓ આ મહામારીથી બાકાત રહ્યા નથી. ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. આવી પરિસ્થિતિમાં પણ તંત્ર દબાણ હટાવ ઝુંબેશ છેડી રહ્યું છે. જેના કારણે લોકો તંત્રને કોસી રહ્યા છે. ભુજ તાલુકાના સૈયદપર ગામે ગૌચર જમીનમાં ખેતી પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગેરકાયદે રીતે ગૌચર જમીન પર કૃષિનો પાક વાવી ખેડાણ કરવામાં આવતું હતું. જે અંગે પ્રાંત અધિકારીએ ટીડીઓને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ટીડીઓએ ગામના તલાટી અને સરપંચને ગૌચર જમીન પર દબાણ હટાવવા તાકીદ કરી હતી. જોકે, જુના રેવેન્યુ સર્વે નં.૭ના નવા રેવેન્યુ સર્વે નં.૧૦ની ગૌચર જમીનમાં દબાણ દૂર ન થતા અંતે પોલીસને સાથે રાખી જમીન દબાણકારોના કબજામાંથી મુક્ત કરાવાઈ હતી.ભુજના તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડે જણાવ્યું કે, ગામમાં ૭ એકર ગૌચર જમીનમાં ગેરકાયદે રીતે ખેતી લાયક વાવેતર થયું હોવાની રજૂઆત મળી હતી. જેની તપાસ બાદ આ જમીન દબાણ મુક્ત કરાઈ છે. જોકે, બીજી તરફ લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે, આ ગંભીર પરિસ્થિતિમાં અમારા ધંધા-રોજગાર માંડ ચાલે છે. તેવા સમયે તંત્ર અમારા પર જોહુકમી કરી અમારી રોજગારી છીનવવાનો પ્રયાસ કરે છે. શહેરોમાં મોટી મોટી ઈમારત ગેરકાયદે બની જાય કે પવન ચક્કી વાળા ગેરકાયદેર પોતાના બાંધકામ કરી તે તુટતા નથી, પરંતુ ગામડામાં અમે ખેતી કરીએ તો તંત્ર દબાણના નામે અમને રોજગારી છીનવવાનો પ્રયાસ કરે છે.