ભુજના સુરજપરમાંથી બે બોગસ તબીબો ઝડપાયા

માનકુવા પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખીને પાડેલા દરોડામાં ડિગ્રી વીના પ્રેકટિસ કરતા ઉંટવૈદોને લીધા સકંજામાં

ભુજ : કોરોના કાળ વચ્ચે જિલ્લામાં માન્ય ડિગ્રી વીના અનેક ઉંટવૈદો પોતાના હાટડા શરૂ કરીને કચ્છીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, તેવામાં પોલીસ અને આરોગ્ય તંત્ર દ્વારા ડિગ્રી વીનાના બોગસ તબીબોને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરાઈ છે, ત્યારે ભુજ તાલુકાના સુરજપરમાંથી બે બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. બન્ને વિરૂદ્ધ મેડિકલ પ્રેક્ટિશ્નર એક્ટની કલમ મુજબ ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માનકુવા પોલીસ દ્વારા બોગસ તબીબોને ઝડપવા માટેની કવાયત હાથ ધરાઈ હતી, જેમાં આરોગ્ય તંત્રની ટીમને સાથે રાખીને ભુજના સુરજપર ગામે રેઈડ કરવામાં આવી હતી. સુરજપર ગામે પોલીસે કરેલી કાર્યવાહીમાં આરોપી મનીષ કૌશિક ભટ્ટ (ઉ.વ.૩૭) અને ચેતન જનાર્દન ત્રિપાઠી (ઉ.વ.પ૦)ની ધરપકડ કરાઈ હતી. મેડીકલ ઓફિસર ડો. ખેતાજી ભુરજી સોઢાને માનકુવા પોલીસે સાથે રાખીને બન્ને બોગસ તબીબો દ્વારા ચલાવાતા ક્લિનીક પર રેઈડ કરાઈ હતી. જેમાં આરોપી મનીષ ભટ્ટ કોઈપણ જાતની માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફીકેટ વગર એલોપેથીક ડોકટર તરીકેનું રૂપ ધારણ કરીને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા અને ઈન્જેક્શન આપી લોકોના સ્વાસ્થય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરતો જણાયો હતો. પોલીસે આરોપીના કબજામાંથી દવા સહિતના સાધનો મળીને ૧૭,ર૩પનો મુદ્દામલા કબજે કર્યો હતો. તેવી જ રીતે આરોપી ચેતન ત્રિપાઠી પણ વગર ડિગ્રીએ એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શન આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ઝડપયો હતો. આરોપીના કબજામાંથી પોલીસે ૩ર૪૯ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્ને વિરૂદ્ધ માનકુવા પોલીસે મેડિકલ પ્રેક્ટિશ્નર એકટ તેમજ આઈપીસીની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સ્તરેથી બોગસ તબીબો સામે કાર્યવાહી કરવાની સુચનાને પગલે પોલીસ અને આરોગ્ય તંત્ર હરકતમાં આવતા થોડા સમય માટે આવા ઉંટવૈદોના હાટડાઓના શટર ડાઉન થઈ ગયા હતા. ફરી પાછા આવા બોગસ તબીબોએ ગેરકાયદે પ્રેક્ટિસ શરૂ કરતા પોલીસ અને આરોગ્યની ટીમ હરકતમાં આવી છે.