ભુજના શખ્સે વાગડના બે યુવાનો સાથે ૧૧ લાખની કરી છેતરપીંડી

વાહનો ફરીથી અમુક રકમ ચૂકવી બાકીના નાણા ન ચૂકવતા રાપર પોલીસ મથકે બે જુદી જુદી ફોજદારી

રાપર : ભુજમાં રહેતા શખ્સે રાપરના ખેંગારપર અને રામવાવના બે યુવાનો સાથે વિશ્વાસઘાત ઠગાઈ આચરી હતી. વાહનો ખરીદીને અમુક રકમ આપી હતી. બાકીની ૧૧ લાખ જેટલી રકમ ન ચૂકવીને વિશ્વાસઘાત-છેતરપીંડી આચરતા રાપર પોલીસ મથકે બે જુદી-જુદી ફોજદારી નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પ્રવીણભાઈ સામજીભાઈ મણવર (ઉ.વ. ર૬, રહે. ખેંગારપર, તા.રાપર)એ ભુજના ખારીનદી રોડ પર આવેલ તૈયબ ટાઉનશિપમાં રહેતા ઈકબાલભાઈ સુલેમાનભાઈ લુહાર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ ફરિયાદી પાસે જીજે-૩૭-ટી-૮૭૮૮ નંબરની બોલેરો કેમ્પર ગાડી રૂા.પ,૯૦,૦૦૦માં વેચાણે લીધી હતી. જેમાં બે લાખ ચૂકતે કરી બાકીના ૩,૯૦,૦૦૦ હજારનો સાટા કરાર કરી આપ્યો હતો. તેમજ ૩ લાખ રૂપિયામાં ટ્રેક્ટરની ખરીદી કરી તેનો પણ સાટા કરાર કરી બાકી નીકળતા રૂપિયા ૬,૯૦,૦૦૦ ન ચૂકવીને વિશ્વાસઘાત ઠગાઈ આચરી હતી. તેવી જ રીતે રાપરના રામવાવમાં રહેતા નામેરીભાઈ કરણભાઈ આહિરે પણ આરોપી ઈકબાલ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેમાં આરોપીએ ફરિયાદીની જીજે-૧ર-ડીજી-૭૮૧૦ નંબરની બોલેરો કેમ્પરનો સોદો ૬,૧પ,૦૦૦ કર્યો હતો. જેમાં બે લાખ ચૂકતે કરી બાકીના ૪,૧પ,૦૦૦નો સાટા કરાર કરી એક મહિનામાં રકમ ચૂકવવા બાંહેધરી આપી હતી, પરંતુ નાણા ન ચૂકવીને નામેરીભાઈ સાથે પણ વિશ્વાસઘાત કરાયો હતો. આ બન્ને યુવાનો પાસેથી કુલ ૧૧,૦પ,૦૦૦ લાખની વિશ્વાસઘાત ઠગાઈ આચરાતા નોંધાયેલી બે ફરિયાદોને પગલે પીએસઆઈ જી.જી.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.