ભુજના લોડાઈમાં ધાણીપાસાનો જુગાર રમતા 6 શખ્સો જબ્બે

ભુજ : શ્રાવણ પૂર્વે જ પુરબહારમાં ખીલેલી જુગારની મોસમમાં પોલીસ દ્વારા પ્રતિદિન જુગારના કેસો નોંધીને આરોપીઓને પાંજરે પુરવામાં આવી રહ્યા છે. તેવામાં ભુજ તાલુકાના લોડાઈ ગામે ગગડાવાસમાં ધાણીપાસા વડે જુગાર રમતા 6 શખ્સોને પધ્ધર પોલીસે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસની ટીમ દારૂ જુગારની બદીઓને નેસ્ત નાબૂદ કરવા પેટ્રોલિંગમા હતી, તે દરમિયાન મળેલી બાતમીને આધારે લોડાઈ ગામના ગગડાવાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આદમ ઓસમાણ ચંગલ, જપરામભાઈ ભગુભાઈ શેખવા, રણછોડભાઈ લખમણભાઈ ચાડ, અજીજ હાજી મણકા, રમજુભાઈ ભચુભાઈ ગગડા, માવજીભાઈ કરસનભાઈ ચાડની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના કબ્જામાંથી પોલીસે 10 હજાર 400ની રોકડ રકમ તેમજ 4 મોબાઈલ મળીને 13 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.