ભુજના રતિયા નજીકથી ખનિજ ચોરીનો પર્દાફાશ

એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે એક જેસીબી અને બે ટ્રક ઝડપી પાડયા : ત્રણ ચાલકની અટક કરી પાઠવાઈ નોટિસ : ડુંગર ખોદીને સુખપરની વાડીમાં માટી ઠાલવાતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

ભુજ : તાલુકાના રતિયા ગામથી ઢોસા તરફ જતા માર્ગ પરથી પોલીસે ગેરકાયદેસર રીતે ખનિજના કરાચા ઉત્ખન્નનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની ટીમે બાતમીને આધારે પાડેલા દરોડામાં એક જેસીબી અને બે ટ્રક કબજે કરાયા હતા. તેમજ ત્રણ ડ્રાઈવરોની અટક કરી તેમને નોટિસ પાઠવી આગળની તપાસ માટે ખાણ ખનિજ વિભાગને રીપોર્ટ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલની સુચનાથી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જિલ્લામાં ગેરકાયદેસર રીતે કરાતી ખનિજ ચોરીને અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમી હકિકતને આધારે ભુજ તાલુકાના રતિયા નજીક દરોડો પાડીને ખનિજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ. જે. રાણા તેમજ પીએસઆઈ એચ. એમ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન રતિયા ગામથી ઢોસા તરફ જતા માર્ગ પર ત્રણ કિલોમીટરના અંતરે ડાબી બાજુએ આવેલા ડુંગરમાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે ડુંગરની ધારોમાં જેસીબી મશીન વડે ખોદકામ કરતા હતા. આ બાતમીને આધારે પોલીસની ટીમે તુરંત જ વર્કઆઉટ કરીને રેડ કરતા દસ ટન કુદરતી ખનિજ કિંમત રૂા. ર૪૦૦, પાંચ લાખનું જીજે૦૧એલકયુ ૯ર૧૮ નંબરનું જેસીબી મશીન, છ લાખની જીજે૦૧સીયુ ૬૮પ૮ તેમજ જીજે૦૯વાય ૮૪૧૩ નંબરની બે ટ્રક મળીને કુલ્લ ત્રણ વાહનો કબજે કરાયા હતા. પોલીસની કાર્યવાહીમાં ડ્રાઈવર આદમ અબ્દુલા જત (ઉ.વ.ર૯) (રહે. પીરવાડી, સુમરાસર, તા.ભુજ, હાલ રહે. કોડકી, તા.ભુજ), ઈબ્રાહીમ આમદ જત (ઉ.વ.ર૯) (રહે. મફતનગરી, સુખપર, તા.ભુજ), મામદ રહીમ આમદ ઓઢેજા (ઉ.વ.૩૮) (રહે. રતિયા, તા.ભુજ)ની અટક કરી તેમને નોટીસ પાઠવવામાં આવી હતી. આરોપીઓની પ્રાથમિક પુછતાછમાં તેઓ અહીંથી ખનિજ ભરીને સુખપરમાં લાલજીભાઈની વાડી પર ખાલી કરવા જતા હતા. પોલીસે વાહનો કબજે કરીને ખાણ ખનિજ વિભાગને આગળની કાર્યવાહી માટે રીપોર્ટ કર્યો હતો તેમજ મુદ્દામાલ માનકુવા પોલીસને સોંપી આગળની કાર્યવાહી માટે માનકુવા પોલીસને જવાબદારી સોંપાઈ છે.આ કાર્યવાહીમાં એએસઆઈ હરીભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, રઘુવીરસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ પરમાર, એલસીબીના કૃષ્ણદેવસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રતિયા પંથકમાંથી મોટા પ્રમાણમાં ખનિજ ચોરી ઝડપાઈ હતી. લાખો – કરોડોની ખનિજ સંપત્તિનું ગેરકાયદેસર ઉત્ખન્ન કરાયું હતું. ખાણ ખનિજ દ્વારા અગાઉ ઝડપી પડાયેલ ખનિજ ચોરી અંગે પણ શું કાર્યવાહી કરાઈ તે સ્પષ્ટ પણે બહાર આવી શકયું નથી. ત્યારે રતિયા પંથકમાં કરાતી ખનિજ ચોરી અંગે ઉંડાણપૂર્વક તપાસ કરાય તેવી લોક માંગ ઉઠી છે.

  • નારાણપર બાદ રતિયામાં ખનિજ ચોરીનો પર્દાફાશ

ખાણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે ખરૂં ?

ભુજ : તાલુકાના નારાણપર ગામે સુજલામ સુફલામ યોજનાની આડમાં બેખોફ બનેલા ખનન માફિયાઓએ તળાવમાંથી માટી ઉસેડી ગેરકાયદે રીતે ભુજની ખાનગી જમીનમાં માટી ઠાલવી હતી જે કેસમાં ખાણ તંત્રએ સમ ખાવા પુરતી કામગીરી માંડ કરી ત્યાં ભુજના રતિયા વિસ્તારમાં ખનીજ ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અગાઉ પણ રતિયા વિસ્તારમાં ખનીજ ચોરીના બનાવ અંગે થોકબંધ ફરિયાદ થઈ છે.ખાણ ખનીજ વિભાગે તપાસ કરવા લટારો પણ મારી છે. આ વિસ્તારમાં મસમોટા ડુંગરો જેસીબીથી ખોદી ડુંગરને નેસ્તનાબૂદ કરી નાખ્યા છે. ડુંગરો થોડા દિવસોમાં હતા-નતા થઈ ગયા છે. જિલ્લામાં સમયાંતરે ખનીજ ચોરીની ફરિયાદો સામે આવતી હોય છે, પરંતુ ખાણ-ખનીજ વિભાગ કાર્યવાહીના નામે ધીમીગતીએ તપાસ કરી છટકબારી શોધવાનો મોકો આપી દે છે. પટેલ ચોવીસીના નારાણપર ગામમાં ભુજ સુધરાઈના નગર સેવકો દ્વારા ખનીજ ચોરીની ફરિયાદ કરાઈ તેમજ શિવલખા પાસે ડુંગરો પણ ખોદી નખાયા હતા. આ ફરિયાદો કરવા છતાં ખાણ ખનીજ વિભાગને સાપ સુંઘી ગયો તેમ કાર્યવાહીમાં ઢીલાસ દેખાઈ રહી છે ત્યારે અન્ય વિભાગોની જેમ આ વીભાગ પણ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તે જરૂરી છે.