ભુજના યુવા પત્રકાર સુધીર ખત્રીનું અનંતવાટે પ્રયાણ : શોકનું લખલખું

આશાસ્પદ-ઉત્સાહી-મિલનસાર સ્વભાવ ધરાવતા સભ્યના દરીયામા ડુબી જવાના નિધનથી કચ્છઉદય પરીવાર તથા સદગતના કુટુંબીજનોમાં ઉંડા શોકની લાગણી ફેલાઈ : કચ્છના પત્રકાર આલમમાં પણ શોકનું મોજું ફરી વળ્યું

ગાંધીધામ : ન જાણ્યું જાનકી નાથે કે સવારે થવાનું છે શુ..ની ઉકિત કાળક્રમે ભુજના આશાસ્પદ યુવાનના કિસ્સામાં પણ સાચી ઠરી હોય તેમ ભુજના જાણીતા યુવા પત્રકાર સુધીર પરસોત્તમભાઈ ખત્રીનું ગઈકાલે સાંજના સમયે માંડવીના ધ્રબુડીના દરીયામાં ડુબી જવાથી દુખદ નિધન થવા પામી ગયુ છે. ભુજના રહેવાસી એવા સુધીર ખત્રી ગત રોજ સવારે મામલતદારની પરીક્ષા આપી છે તે પછી પડોશીને જણાવીને નીકળ્યા બાદ સાંજે તેઓના દરીયામાં ડુબી જવાથી અવસાન નિપજતા પરીવારજનો તથા સમગ્ર ભુજની પત્રકાર આલમને ઉંડા શોકની લાગણીમાં ગરકાવ કરી
દીધા હતા.ભુજ શહેરમા શિવ આરાધના સોસાયટીમા રહેતા સુધીરભાઈ ખત્રી ઉ.વ.૩૯ ગત રોજ માંડવીના દરીયાકિનોર ગયા હતા જયા ઘ્રબુડીના દરીયાના પાણીમાં ડુબી જતા અવસાન નિપજયુ હતુ. હતભાગી યુવાન કચ્છઉદય સાંધ્ય દૈનિકમા ચાવીરૂપ ફરજ બજાવતા હતા. બનાવની જાણ થતા જ પરીવારજનો ભુજથી માંડવી પહોચી ગયા હતા. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી મૃતદેહને માંડવી સિવિલ હોસ્પિટલમા પોસ્ટ મોર્ટમ માટે ખંસેડયો હતો.
નોધનીય છે કે, સ્વાભાવે સરળ, મિલનસાર, મહેનતકશ અને સાહિત્ય ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવતા સુધીર ખત્રીની ઓંચિતી વિદાયથી તેમના પરીવારજનો અને કચ્છઉદય પરીવાર સહિત પત્રકાર આલમમાં પણ ભારે ગમગીનીનો માહેાલ છવાઈ જવા પામ્યો છે.