ભુજના યુવાને શરીરે પેટ્રોલ છાંટીને કર્યો અગ્નિસ્નાન

શહેરની ભાગોળે પ્રમુખસ્વામીનગર ચાર રસ્તા નજીકના મહાદેવનગર-૧મા બન્યો બનાવ

ભુજ : શહેરની ભાગોળે પ્રમુખસ્વામી નગર ચાર રસ્તાથી નૂરાની તરફ જતા રીંગ રોડ પર આવેલા મહાદેવનગર-૧મા રહેતા યુવાને પોતાના શરીરે પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દર્જ થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મહાદેવનગર-૧મા રહેતા રમેશ હરીલાલ આઠુ (ઉ.વ. ૩૬) નામના યુવાને અગમ્ય કારણોસર આત્મઘાતિ પગલું ભર્યું હતું. હતભાગીએ પોતાના ઘેર શરીરે પેટ્રોલ છાંટીને સ્વયંને આગ ચાંપી દેતા આડોશ-પાડોશીઓએ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ગત રાત્રે આઠેક વાગ્યના અરસામાં યુવાને પોતાની જાતને જલાવી હતી અને સારવાર માટે જી.કે. હોસ્પિટલમાં ખસેડતા રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં દમ તોડ્યો હતો. સૂત્રો મારફતે મળેલી વિગતો મુજબ હતભાગીનો પરિવાર મૂળ વંગનો છે અને ત્યાં વાડી પોખીને ગુજરાન ચલાવે છે. પરિવારના તમામ લોકો વંગ હતા. દરમિયાન ભુજમાં એકલા રહેલા યુવાને આત્મઘાતિ પગલું ભર્યું હતું. બનાવને પગલે ભુજ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.