ભુજના મોડસર નજીકથી 2500 લિટર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

પધ્ધર પોલીસે 1.62 લાખના પેટ્રોલિયમ પ્રવાહી સહિત 4.62 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

ભુજ : કચ્છમાં ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહી તરીકે બાયોડિઝલના કરાતા વેપલા પર પોલીસ દ્વારા ધોંશ બોલાવવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહી છેલ્લા એક સપ્તાહથી અવિરત પણે ચાલુ છે. તેવામાં પધ્ધર પોલીસની ટીમે ભુજ તાલુકાના મોડસર ગામથી હિરાપર ગામ તરફ જવાના રસ્તેથી ગેરકાયદેસર બાયોડિઝલ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલીયા તેમજ પશ્ચિમ કચ્છના ઈન્ચાર્જ એસપી મયુર પાટીલની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ પધ્ધર પીએસઆઈ એસ.આર. જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમા હતી, તે દરમિયાન મોડસરથી હિરાપર ગામ તરફ જતા ટાટા ટેમ્પો ટેન્કરમાંથી ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જીજે 12 એડબલ્યુ 7777 નંબરનું ટેન્કર ઉભું રખાવીને તેમા તપાસ કરતા ચાલક નૂર મામદ કમાલ સમાએ બાયોડિઝલ ભરેલું હોવાનું જણાવ્યુ હતું. જે અંગે પોલીસે આધાર પુરાવા તેમજ સંગ્રહ લાયસન્સની માંગણી કરતા ચાલક કોઈપણ પ્રકારના આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે ટેન્કરમાં ભરાયેલું 1 લાખ 62 હજાર 500ની કિમતનું 2500 લિટર બાયોડિઝલ ઝડપી પાડ્યું હતું. જ્યારે ટેન્કરની કિમત 3 લાખ આંકીને પોલીસે 4 લાખ 62 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહીમાં ડીવાયએસપી જે.એન. પંચાલ, પધ્ધરના ઈન્ચાર્જ પીએસઆઈ એસ.આર. જાડેજા, ડીવાયએસપી કચેરીના હેડકોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિક્રમસિંહ ગોહિલ, પ્રિયંકભાઈ જોષી સહિતનો સ્ટાફ જોડાયો હતો.