ભુજના ભીડ વિસ્તારમાંથી બ્રાન્ડેડ અંગ્રેજી શરાબ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ભુજ : શહેરના ભીડનાકા નજીકથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કારમાંથી બ્રાન્ડેડ પ્રકારના અંગ્રેજી શરાબ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબ્જામાંથી ઝાયલો કાર, ત્રણ મોબાઈલ સહિત ૩,૪૦,૬૮૦નો મુુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન દાદુપીર રોડથી ભીડનાકા તરફ આવતી એક કારમાં શરાબની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી, જેને આધારે એલસીબીની ટીમે તુરંત જ વર્કઆઉટ કરીને ભીડ નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની સફેદ કલરની જી.જે. ૧ર બી.આર. ર૪ર૩ નંબરની ઝાયલો કાર આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા તેમાંથી બ્લેકડોગ, રોકફોર્ડ અને સિગ્નેચર સહિતની જુદી-જુદી બ્રાન્ડના વિદેશી શરાબની ર૭ બોટલ કિંમત રૂા.ર૭,૬૮૦નો પ્રોહી. મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કારમાં સવાર માંડવીના પાંચોટિયા ગામના પુનશી આલા ગઢવી, મોટા સલાયાના અવલ શંકરભાઈ ચૂડાસમા અને માંડવીમાં રહેતા નિરવ તુલસીગર ગોસ્વામીની ધરપકડ કરાઈ હતી. પોલીસે શરાબ સાથે કાર અને ત્રણ મોબાઈલ મળીને ૩,૪૦,૬૮૦નો મુદ્દામાલ કબ્જે કરી ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.