ભુજના પોસ્ટ કૌભાંડમાં તત્કાલીન સબ પોસ્ટ માસ્તરના જામીન ફગાવાયા

ભુજ : શહેરની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં આચરાયેલા મહા કૌભાંડમાં આરોપી પૈકી તત્કાલીન સબ પોસ્ટ માસ્તર બિપિનચંદ્ર રાઠોડના જામીન ભુજ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે.

આ કેસની  વિગત મુજબ ભુજ રાવલવાડી સબ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા સબ પોસ્ટ માસ્તર બિપિનચંદ્ર રૂપજી રાઠોડ, સબ પોસ્ટ માસ્તર બટુક જીતેન્દ્રરાય વૈષ્નવ અને વિનયશંકર દવે, મહિલા પોસ્ટ એજન્ટ પ્રજ્ઞાબેન ઠક્કર અને તેમના પતિ સચિન ઠક્કર એમ કુલ પાંચ જણા મળીને મિલીભગતથી રાવલવાડી પોસ્ટ ઓફિસના પોસ્ટના બંધ થયેલા રીકરીંગ ખાતામાં પોસ્ટના સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રીના યુઝર આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી ફરીથી મોટી રકમની જુની તારીખોમાં ચાલુ કરી પોસ્ટ ખાતુ ઓપન કર્યા અંગે ખોટા ફોર્મ, કલોઝર ફોર્મ ભરી તેમા સહીઓ કરી તેમજ ખોટા સિક્કા બનાવી પોતાના કબ્જામાં રાખી ખાતુ ખોલાવી સરકારી રકમની ઉચાપત કરાઈ હતી ત્યારબાદ આરોપી પૈકી સબ પોસ્ટ માસ્તર બિપિનચંદ્ર રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી બિપિનચંદ્રએ રેગ્યુલર જામીન મેળવવા દસમા અધિક સેશન્સ જજ આર.બી. મંદાણીની કોર્ટમાં અરજી કરતા શ્રી મંદાણીએ જામીન અરજી રદ કરી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.