ભુજના પારેશ્વર ચોક પાસે ખુલ્લા પ્લોટમાં સાંજ પડતા જ ગાંજા અને દારૂની જામતી મહેફિલો

  • અંધેરી રાતો મેં… સુમસામ રાહો પર…

ધાર્મિક સ્થળની જગ્યાને અસામાજિક તત્ત્વોએ બનાવી દીધો અડ્ડો : સાંજ અને રાતના સમયે પોલીસ પેટ્રોલિંગ કરે તેવી માંગ

ભુજ : જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં સમયાંતરે દારૂ અને ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થાય છે છતાં આ ગોરખ પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. ભુજમાં તાજેતરમાં ગાંજાની પડીકી વેચતા શખ્સો ઝડપાયા હતા, પરંતુ આ નેટવર્ક દૂર દૂર સુધી વિસ્તરી ગયું હોવાથી શહેરમાં માંગો ત્યાં ગાંજાની પડીકીઓ મળી રહે છે. વળી દારૂનો ધંધો તો ખુલેઆમ ચાલે છે. ડિફેન્સથી માંડી વ્હીસ્કી, વોડકાની બોટલો ખુલેઆમ વેચાય છે, પરંતુ પોલીસને તે દેખાતી નથી. હવે તો હદ્દ ત્યાં થઈ અસામાજિક તત્ત્વોએ ધાર્મિક સ્થળને ગોરખ પ્રવૃત્તિનો અડ્ડો બનાવી દીધો છે.જાણવા મળતી માહિતી પ્રમાણે શહેરમાં જુના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ પારેશ્વર ચોક વિસ્તારમાં આ પ્રકારે ગાંજા અને દારૂની બદી વધવા પામી છે. રામેશ્વર મહાદેવ અને પીપળેશ્વર મહાદેવ મંદિરના ખુલ્લા પ્લોટમાં સાંજ પડેને અસામાજિક તત્ત્વો ગોઠવાઈ જાય છે. સાંજથી રાતના અંધારા સુધી સરેઆમ દારૂની મહેફીલો જામે છે તો ગાંજો પીવામાં આવે છે. ધાર્મિક સ્થળ પાસે આ પ્રકારે અસામાજિક બદી વધી જતા અહીંના લોકો પણ ક્ષોભમાં મુકાઈ ગયા છે ત્યારે પોલીસ દ્વારા સાંજના અને રાતના સમયે પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.