ભુજના પટેલ ચોવીસીના ગામોમાં દીકરીઓની સુરક્ષા બાબતે પોલીસ ત્વરીત પગલાં ભરે

બે દીકરીઓના અપહરણ બાદ હજી સુધી ભાળ ન મળતા એસપીને પુનઃ રજૂઆત કરાઈ

ભુજ : તાલુકાના પટેલ ચોવીસીના ગામોમાં દિન પ્રતિદિન દીકરીઓના અપહરણની ઘટના વધી રહી છે જે ચિંતાજનક છે. તાજેતરમાં જ નારાણપર પસાયતી અને રાવરી ગામમાંથી બે દીકરીઓના અપહરણની ઘટના બની છે. જેની હજી સુધી ભાળ ન મળતા ગ્રામજનો દ્વારા ચાર દિવસના ગાળામાં બીજી વખત પોલીસ વડા સૌરભસીંઘને આ મામલે રજૂઆત કરી ત્વરીત કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમો વિરૂદ્ધ પોલીસની નિષ્ક્રિયતાના કારણે પટેલ ચોવીસીના ગામોમાં અસામાજિક તત્ત્વોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે બહેન દીકરીઓની સલામતી જોખમાઈ છે. ગત ૧પ માર્ચના ગોસ્વામી સમાજની દીકરીનું સમીર નામના શખ્સ દ્વારા લગ્ન કરવાના ઈરાદે અપહરણ થયું હતું. જે અંગે પોલીસ ફરિયાદ બાદ હજી સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે. ઉપરાંત ભારાપરમાં ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ યુવાન દીપકે નારાણપર ગામની પટેલ સમાજની દીકરીનું અપહરણ કર્યું હોવાની લેખીત રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. આ બન્ને કિસ્સામાં પોલીસને રજૂઆત કરવા છતા કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનો દ્વારા પુનઃ એસપીને રજૂઆત કરાઈ હતી.

દશનામ ગોસ્વામી હિતરક્ષક મંડળ દ્વારા અપાયું આવેદન

ભુજ : નારણપર પસાયતીના કિસ્સા સંદર્ભે કચ્છ જિલ્લા દશનામ ગોસ્વામી હિતરક્ષક મંડળ દ્વારા કલેકટર કચેરીએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાને આવેદનપત્ર અપાયું હતું. જેમાં આ કિસ્સાને લવ જેહાદ સાથે સરખાવી આ કિસ્સામાં તાત્કાલિક ધોરણે પગલાં ભરી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. અપહરણ થનાર દિકરીની માતા દ્વારા માનકૂવામાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જે ઈસમો દીકરીને ભગાડી ગયા છે, તેઓ સામે નામ જોગ ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. આ ઘટનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. ગામના જ રહેવાસી એવા શખ્સોએ દીકરીનું અપહરણ કર્યું હોવાનું આવેદન પત્રમાં જણાવાયું છે.આ રજૂઆત કરતી વેળાએ માવજીભાઈ ગુંસાઈ, સુરેશગિરિ ગોસ્વામી, મહેશગિરિ ગોસ્વામી, ઈશ્વરગિરિ ગોસ્વામી, લઘુપુરી ગોસ્વામી, નવીન ગોસ્વામી, વિપુલગિરિ ગોસ્વામી, ગુંસાઈ ગોવિંદ ભારતી, મહેશ મોઢ, વિનોદ દરજી, જયંતીલાલ દરજી, અશ્વિન લુહાર, ભરત ગોર, સંજય ગોર, ચંદ્રેશપુરી ગોસ્વામી સહિતના જોડાયા હતા.

દશનામ ગોસ્વામી સમાજની ભુજમાં બેઠક મળી

ભુજ : નારણપર પસાયતીમાં ગોસ્વામી સમાજની દીકરીનું અપહરણ થયા બાદ આવા કિસ્સાઓ બિજીવાર ન બને તેમજ આ કેસમાં પરિવારને ન્યાય મળે એ માટે આજે દશનામ ગોસ્વામી સમાજની ભુજમાં મિટિંગ મળી હતી. જે અંગે અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અમૃતગિરિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજે અમે આ ઘટના સંદર્ભે આવેદન આપવાના હતા, પરંતુ છોકરીનું નિવેદન સામે આવતા સમાજની મિટિંગ બોલાવાઈ હતી, જેમાં આગળ કયા પ્રકારની કામગીરી કરવી તે અંગે ચર્ચા કરાઈ હતી. આ મિટિંગમાં સમાજના આગેવાનો ધીરજપુરી ગોસ્વામી, અનિલગિરિ ગોસ્વામી, મનોજપુરી ગોસ્વામી, મંથનગિરિ ગોસ્વામી, પ્રકાશપુરી ગોસ્વામી, જયેશવન ગોસ્વામી, દિનેશગિરિ ગોસ્વામી, વસંતગિરિ ગોસ્વામી, હિંમતગિરિ ગોસ્વામી, ભાવનાબેન ગોસ્વામી સહિતના જોડાયા હતા.

પુત્રને પોલીસે તપાસ માટે બોલાવ્યાનું મનમાં લાગી આવતા પિતાનો આપઘાત

ભુજ : મુંદરા તાલુકાના ભદ્રેશ્વરમાં માયાભાઈ રાયશીભાઈ મહેશ્વરી નામના આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ કેસના તાર પણ નારણપર પસાયતીના કેસ સાથે સંકળાયા છે. બનાવ અંગે મુંદરા મરીન પોલીસ મથકના પીએસઆઈ જી.વી. વાણિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, નારણપર પસાયતીમાં જે દિકરીનું અપહરણ થયું છે તેની ભાળ મેળવવા માટે માનકૂવા પોલીસ દ્વારા શકમંદ નામો ઉપરાંત આરોપીઓના મિત્રોની પુછતાછ કરાઈ હતી. જેમાં હતભાગીના પુત્રને પોલીસે પુછતાછ માટે બોલાવ્યો હતો, અને પોલીસે તેના નિવેદનો મેળવી જવા દીધી હતો, જે બાબત મનમાં લાગી આવતા નારણપર પસાયતીના આધેડે મુંદરા તાલુકાના ભદ્રેશ્વરમાં પોતાના સાઢુના ઘેર આપઘાત કર્યો હતો. વધુમાં શ્રી વાણિયાએ ઉમેર્યું હતું કે, હતભાગી ભદ્રેશ્વરમાં તેના સાઢુ ભાઈ ગોવિંદ મહેશ્વરીના માતૃશ્રીનું મરણ થતાં બેસણામાં આવ્યા હતા. તે દરમિયાન ગત મોડી સાંજે આપઘાત કર્યો હતો. તો માનકૂવાના પીઆઈ મીતેષ બારોટે જણાવ્યું હતું કે, આપઘાત કરનારનો પોલીસ કોઈ પણ રીતે સંપર્ક કર્યો નથી. બનાવને પગલે નારણપર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાનું જણાવ્યું હતું.