ભુજના નારણપર રાવરીમાં મહિલા પર નિર્લજ્જ હુમલો

બે પુરૂષ અને ત્રણ અજાણી મહિલાઓએ ધાક ધમકી કરી, એક પુરૂષે છેડતીનો કર્યો પ્રયાસ : માનકુવા પોલીસ મથકે ભારાપરના એક શખ્સ સહિત પાંચ સામે ફરિયાદ

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : તાલુકાના નારણપર રાવરીમાં રહેતી મહિલાના ઘરે ધસી જઈને બે પુરૂષ અને ત્રણ સ્ત્રીઓએ મળીને દાદાગીરી કરી હતી. મહિલા સાથે ઝપાઝપી કરી મુઢ માર માર્યો હતો. તેમજ આરોપીઓ પૈકીના એક શખ્સે મહિલાની છેડતી કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો. બનાવને પગલે માનકુવા પોલીસે પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ભુજના નારણપર રાવરીમાં રહેતી ૪ર વર્ષિય મહિલાએ ભારાપરમાં રહેતા દિનેશ ધનજી મહેશ્વરી અને તેની સાથેના એક અજાણ્યા પુરૂષ તેમજ ત્રણ અજાણી મહિલાઓ વિરૂદ્ધ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની દિકરી ફરિયાદીના ઘેર પરત આવી જતા તેનું મનદુઃખ રાખીને આરોપીઓએ એક સંપ થઈ મહિલા સાથે મારામારી કરી હતી. આરોપી દિનેશ ધનજી મહેશ્વરી અને તેની સાથે આવેલા અન્ય એક અજાણ્યા પુરૂષે ફરિયાદી સાથે છેડતી કરીને નિર્લજ્જ હુમલો કર્યો હતો. મહિલા સાથે ઝપાઝપી કરી મુઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ભોગગ્રસ્ત મહિલાને એટ્રોસિટી જેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બનાવને પગલે માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાતા પીઆઈ એસ. બી. વસાવાએ આગળની તપાસ હાથ ધરી છે.