ભુજના નાગિયારી અને માંડવીના ઢીંઢ પાટીયા નજીક અકસ્માત

ભુજ : તાલુકાના નાગિયારી અને સામત્રા વચ્ચે તેમજ માંડવીના કોડાય નજીક ઢીંઢ પાટીયા પાસે અકસ્માત સર્જાતા ચાલકોને ઈજાઓ થઈ હતી. જેને પગલે માનકૂવા અને માંડવી પોલીસ મથકે ગુના નોંધાયા હતા. માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ દિનેશ દેવજીભાઈ સોલંકીએ જીજે૧ર-બીવી-૬૪૮૮ નંબરના ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ટ્રક ચાલકે પોતાનું વાહન પૂર વેગે અને ગફલત ભરી રીતે હંકારી ફરિયાદીની જીજે૧ર-સીજી-૩૧પ૭ નંબરની કારને હડફેટમાં લઈને ફરિયાદી અને તેના સંબંધી અનિલભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે માનકૂવા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ માંડવીના ઢીંઢ પાટીયા નજીક ઈકો કારે બાઈકને ટક્કર મારી હતી. જે શબબ ફરિયાદી હુશેન ગાભા સુમરાએ આરોપી ઈલિયાસ ઈસ્માઈલ કુંભાર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ પોતાના કબજાની જીજે૧ર-બીએફ-૭પ૭૦ નંબરની ગાડી પૂર વેગે હંકારીને ફરિયાદીની જીજે૧ર-સીએ-૬૮૭૩ નંબરની બાઈકને ટક્કર મારી હતી. જેમાં ફરિયાદી અને તેની દોહિત્રીને માથાના ભાગે અને ખભામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે માંડવી પોલીસએ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.