ભુજના ધારાસભ્ય-નગર અધ્યક્ષા સહિતની મહિલાઓએ પીએમને બાંધી રાખડી

દિલ્હી ખાતે રક્ષાબંધન પર્વની થઈ આગોતરી ઉજવણી : ગાંધીધામની અગ્રગણ્ય મહિલાઓએ પણ ભાઈશ્રી મોદીને રક્ષા કવચ બાંધ્યું

 

ભુજ : શ્રાવણી પૂનમ કે જેને રક્ષાબંધન તરીકે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનના પ્રેમને વ્યક્ત કરતો તહેવાર ૬મી ઓગસ્ટે છે, પરંતુ દિલ્હી ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી અને અનોખી ઉજવણી થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રેમ જગજાહેર છે. તેઓ વિશ્વના કોઈપણ ખૂણે જાય ત્યાં આ સરહદી જિલ્લાને અચૂક યાદ કરે છે ત્યારે પીએમઓ હાઉસમાં રક્ષાબંધનની આગોતરી ઉજવણી થઈ હતી.
ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યની આગેવાની હેઠળ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી સહિત ૧૧ નગરસેવિકાઓએ વડાપ્રધાનને રાખડી બાંધી હતી. કચ્છી પાઘ અને શાલથી વડાપ્રધાનનું સન્માન કરાયું હતું. ત્યારબાદ ગાંધીધામ વિસ્તારની મહિલાઓએ પણ નરેન્દ્રભાઈને રક્ષા સૂત્ર બાંધ્યું હતું. આ અવસરે સાંસદ વિનોદભાઈ ચાવડા, વિકાસ રાજગોર, અનિતા દક્ષિણી, ગીતાબેન ગણાત્રા,
મૃદુલાબેન શેઠ, શ્રદ્ધાબેન ઠક્કર, મિનાક્ષી ભટ્ટ, લીલાબેન ઠક્કર, મમતાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.