ભુજના ઝીંકડી નજીક બોલેરોએ બાઈકને હડફેટમાં લેતા યુવાનનું મોત

મુન્દ્રામાં બીમારીના કારણે પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ

ભુજ : તાલુકાના ઝીંકડી નજીક બોલેરોએ બાઈકને હડફેટમાં લેતા લોડાઈના રર વર્ષિય યુવાનનું મોત નીપજ્યું હતું. તો મુન્દ્રામાં એલએનટી કોલોનીમાં રહેતા ઓરંગાબાદના શ્રમજીવીએ છેલ્લા બે-ત્રણ દિવસથી બીમારીના કારણે દમ તોડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના ઝીંકડી અને બોલાડી વચ્ચે બોલેરો નં. જીજે૧ર-બીડબ્લ્યુ-૭પ૯૭ના ચાલકે જીજે૧ર-એઆર-પ૩૬૧ નંબરની બાઈકને હડફેટમાં લેતા લોડાઈના રર વર્ષિય આશિષ ધીરજભાઈ ચાડનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે વાલાભાઈ બચુભાઈ બત્તા (આહિર)એ બોલેરોના ચાલક ધુલાભાઈ ભચુભાઈ ડાંગર વિરૂદ્ધ પધ્ધર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. બોલેરો ચાલકે પૂરપાટ વેગે ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને ટક્કર મારતા હતભાગી આશિષને માથાના ભાગે તેમજ પગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે પધ્ધર પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ એસ.આર. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ મુન્દ્રા પોલીસ મથકે અકસ્માત મોતનો નોંધાયેલા બનાવમાં મૂળ ઓરંગાબાદ, હરિયાણાના અને હાલ મુન્દ્રામાં શુભમ પેટ્રોલપંપની પાછળ આવેલી એલ.એન.ટી. કોલોનીમાં રહેતા નરેશ દિલીપસંગ સોહનલાલ જાટનું મોત નીપજ્યું હતું. હતભાગી છેલ્લા બે-ત્રણ દિવસથી બીમાર હોતા દમ તોડ્યો હતો.