ભુજના કેમ્પ વિસ્તારમાં રહેણાક મકાનમાંથી દોઢેક લાખનું ખાતર પાડતા તસ્કરો

બીમાર બહેનની પુછતાછ કરવા માટે ઘરધણી માધાપર ગયા બાદ તસ્કરોએ મકાનને બનાવ્યું નિશાન

ભુજ : શહેરના કેમ્પ વિસ્તારમાં આવેલી ટી.બી. હોસ્પિટલ નજીકના એક રહેણાક મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી અંદાજે દોઢેક લાખનો હાથફેરો કરવામાં આવ્યો હતો. બનાવને પગલે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના કેમ્પ એરિયામાં ટી.બી. હોસ્પિટલ પાસે રહેતા દિનેશભાઈ મોહનભાઈ દરજીએ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનારના જણાવ્યા પ્રમાણે તેમના બહેન બીમાર હોતા તેઓ માધાપરમાં ખબર અંતર પુછવા માટે ગયા હતા. દરમિયાન પાછળ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ફરિયાદીના બંધ ઘરમાં ખાતર પાડીને અજાણ્યા તસ્કરોએ રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને અંદાજે દોઢેક લાખની માલમત્તાનો હાથ મારી ગયા હતા. ઘરધણી માધાપરથી પરત ફરતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેને આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.