ભુજના ઉમેદવાર નીમાબેનની બે જુદી- જુદી એફિડેવીટ મુદ્દે ફરિયાદ

હરીફ ઉમેદવાર આદમ ચાકીએ ઉઠાવેલા વાંધા બાદ કરી ફરિયાદ : પ્રાંત અધિકારી કમ આર.ઓ.એ વાંધો નામંજૂર કરીને ફોર્મ કર્યું મંજૂર

 

ભુજ : ભુજ વિધાનસભા બેઠક પર કુલ ૩ર ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તેમાંથી ૬ ફોર્મ રદ્દ કરાયા હતા, પરંતુ ભુજના ભાજપના ઉમેદવાર નિમાબેન આચાર્યએ પોતાની ઉંમરમાં ખોટી એફીડેવીટ રજૂ કરી હોવાનો વાંધો આદમભાઈ ચાકીએ લીધો હતો. જે વાંધો નામંજૂર કરીને ડો. નિમાબેન આચાર્યનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હોવાનું ભુજના આર.ઓ.એ જણાવ્યું હતું.
ભુજના કોંગ્રેસ ઉમેદવાર આદમભાઈ ચાકીએ તેમના હરીફ ઉમેદવારની ઉંમર સામે વાંધો ઉઠાવ્યો હતો. ભુજના ભાજપના ઉમેદવાર ડો. નિમાબેન આચાર્યએ ર૦૧રમાં રજૂ કરેલી એફીડેવીટમાં પોતાની ઉંમર ૬૬ વર્ષ દર્શાવી હતી. જયારે આ વર્ષે ર૦૧૭માં તેમણે ભરેલા ફોર્મની એફિડેવીટમાં તેમની ઉંમર ૬૯ વર્ષ દર્શાવી છે. ત્યારે પાંચ વર્ષમાં નિમાબેન ૩ વર્ષ જ મોટા થયા છે. માટે બંનેમાંથી એક એફીડીવીટ ખોટી હોવી જોઈએ અને એક રાજકીય પક્ષના જવાબદાર ધારાસભ્ય દ્વારા ખોટુ સોગંધનામુ કરાયાની ફરિયાદ આદમભાઈ ચાકીએ કરી હતી. જેમાં આજે ફોર્મ ચકાસણી વખતે તેમને ઉઠાવેલા વાંધા બાદ ભુજના પ્રાંત અધિકારી કમ આર.ઓ. શ્રી જાડેજાએ આદમભાઈ ચાકીના વાંધાને નામંજૂર કરીને ડો. નિમાબેન આચાર્યનું ફોર્મ મંજુર કર્યું હતું. ત્યારે આ સંદર્ભે આદમભાઈ ચાકીએ એવી રજૂઆત કરી હતી કે, આ કિસ્સામાં સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન તેમજ ચૂંટણીપંચના નિર્દેશ અનુસાર કાર્યવાહી થવી જોઈએ. એક જ ઉમેદવાર અગાઉ જુદી એફીડેવીટ અને હાલ જુદી એફીડેવીટ રજૂ કરે છે.
ત્યારે ખોટુ સોગંદનામુ કર્યા સબબ તેમનું વિરૂદ્ધ કડક કાર્યવાહી તેવી માંગ આદમભાઈ ચાકીએ કરી હતી. ડો. નિમાબેન આચાર્યનું ફોર્મ મંજૂર થઈ જતાં આદમભાઈ ચાકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ સંદર્ભે તટસ્થતાથી પગલાં ભરાય તેવી માંગ કરી હતી.