ભુજનાં નગરપતિની ચેમ્બરમાં વિપક્ષે ઘાસચારો નાખી નોંધાવ્યો વિરોધ

શહેરમાં રખડતા ઢોર ને પાંજરે પુરવામાં નિષ્ફળ ગયેલ સુધરાઈનો આંમળ્યો કાન : ગઈકાલે જ રખડતા ઢોરથી થયેલા મોત બાદ વિપક્ષ જાગ્યું

ભુજ : શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, તેવામાં ગઈકાલે જ ગાય હડફેટે આવતા બાઈક ચાલકનું મોત નીપજ્યા બાદ વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવીને રખડતા ઢોર પાંજરે પૂરવાની માંગ કરાઈ છે.
વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિત નગરસેવકો અન કોંગી કાર્યકરોએ ઘાસચારા સાથે સુધરાઈ કચેરીમાં ધસી આવીને નગરપ્રમુખ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈેલેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બરમાં ઘાસચારો નાખ્યો હતો. ભાજપ કાર્યલયે પણ કોંગ્રેસીઓ લીલાચારા સાથે પહોંચી ગયા હતા. રખડતા ઢોરને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલા સુધરાઈનાં તંત્રની બેદરકારીને કારણે શહેરીજનોના જીવ જઈ રહ્યા છે. દરરોજ વાહન ચાલકો રખડતા ઢોરની હડફેટમાં આવીને અસ્થભંગ સહિતની ઈજાઓનો ભોગ બની રહ્યા છે. શહેરનાં દરેક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ છે. ત્યારે વિપક્ષે અલગ જ રીતે સુધરાઈનાં સત્તાધિશોની ચેમ્બરમાં ઘાસચારો નાખીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ સત્તાધિશો ઉપરાંત ભુજનાં ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા પ્રમુખના છાજીયા લઈને ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. સુધરાઈ કચેરીએ વિરોધ નોંધાવ્યા બાદ વિપક્ષીઓ ભાજપ કાર્યાલય પર જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધમાં વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, કાસમ સમા, ફકીર મામદ કુંભાર, માલસી માતંગ, આયસુબેન સમા, મુસ્તાક હિંગોરજા, અનીલ સોની સહિતનાં કાર્યકરો જોડાયા હતા.