ભુજથી ડીઆરડીએ ડાયરેક્ટરની પોરબંદર બદલી : ગાંધીનગરથી નવા અધિકારી મૂકાયા

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને સુરતમાં ડીઆરડીએ ડાયરેક્ટર બનાવાયા : ભુજના જિલ્લા રજિસ્ટ્રારની પણ રાજકોટમાં બદલી

ભુજ : આઈએએસ અધિકારીઓની બદલી થયા બાદ આજે રાજ્યમાં ૭૯ જેટલા ગેસ કેડરના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. મહેસૂલી માળખામાં ધરખમ ફેરફારો કરવાના ભાગરૂપે મોટા ભાગના જિલ્લાઓના અધિક નિવાસી કલેક્ટર અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટરો બદલાયા છે. કચ્છમાં પણ બે અધિકારીઓની બદલી થઈ છે, જેમાં ડીઆરડીએ ડાયરેક્ટર તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની બદલી થઈ છે. ઉપરાંત ભુજના જિલ્લા રજિસ્ટ્રારની પણ બદલી થઈ છે. રાજ્યના વહિવટી વિભાગ દ્વારા અધિકારીઓની બદલીનો હુકમ કરાયો હતો, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર એમ.કે. જાેષીની પોરબંદરમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. જ્યારે તેમના સ્થાને ગાંધીનગરના નિવાસી અધિક કલેક્ટર એચ.એમ. જાડેજાને મૂકવામાં આવ્યા છે, તો નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિને સુરતમાં ડીઆરડીએ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ અપાઈ છે. તેમના સ્થાને જિલ્લામાં કોઈ અધિકારીને નિમણૂંક અપાઈ હતી. બીજી તરફ કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ૮ જિલ્લા રજિસ્ટ્રારોની બદલી કરાઈ છે, જેમાં સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર વી.આર. કપુરિયાની રાજકોટમાં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે બદલી કરાઈ છે. જાેકે, તેમના સ્થાને કોઈને નિયુક્તિ અપાઈ નથી.
નોંધનીય છે કે, ડીઆરડીએ ડાયરેક્ટર એમ.કે. જાેષીના માર્ગદર્શનમાં કચ્છમાં મનરેગા અંતર્ગત ઘણા વિકાસ કામો કરી ગામડાઓના લોકોને માનવ દિવસની રોજગારી આપવામાં આવી હતી, તો ચૂંટણી અધિકારી પ્રજાપતિના નેજા હેઠળ જિલ્લામાં વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ હતી.