ભુખી નદીમાં રાત-દિવસ રેતી ચોરાતી હોવાની બૂમ

મોટા કાંડાગરા અને નાની ખાખર વચ્ચે થતી આ ગેરપ્રવૃતિ અટકાવવા તંત્રને રજુઆત

મુન્દ્રા : તાલુકામાં આવેલી ભુખી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે મોટાપાયે રેતી ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આવા તત્વો સામે કડક કાર્યવાહીની તંત્ર સમક્ષ માંગ કરાઈ છે.
મોટા કાંડાગરા અને નાની ખાખર વચ્ચે આવેલી ભુખી નદીમાં છેલ્લા કેટલાક સમયથી અમુક ચોક્કસ તત્વો દ્વારા રાત-દિવસ સુધી ઈટાચી અને આઈવા જેવા સાધનો વડે ગેરકાયદેસર રીતે રેતી ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. લીઝની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતા પણ ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરવામાં આવે છે અને રેતી ચોરી બંધ કરાવવા જવામાં આવે ત્યારે ધાક-ધમકીઓ આપવામાં આવે છે. ખુલ્લેઆમ રેતી ચોરી કરનારા તત્વો કહે છે કે તેઓએ સરકારી અમલદારોને પણ ખરીદી લીધા છે. આ અંગે સ્થાનિક ખાણ ખનીજ કચેરીને આરોપીઓના નામ સોંપાયા છે. નદીમાં થતી રેતી ચોરી બંધ કરાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. આ અંગે પંચાયતના સદસ્ય મીનાબેન નાનજી મહેશ્વરી દ્વારા કલેકટર અને મામલતદારને રજુઆત કરવામાં આવી છે.