ભીમાસરમાં હાર્દિક પટેલ આવતા રાજકીય પક્ષો આમને સામને

ભેરૈયામાં કાર્યક્રમ પૂર્ણ કરી પરત જતી વખતે તેના મિત્રને મળવા આવ્યો હતો જેથી રાજકીય પક્ષના કાર્યકરોએ સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો : પીઆઈ ભરતસિંહ પરમાર

અંજાર : તાલુકાના ભીમાસર ગામે પાસના કન્વિનર હાર્દિક પટેલ આવતા રાજકીય પક્ષના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પાસના નેતા હાર્દિક પટેલ ગઈકાલે ભેરૈયા ગામે પોતાના કાર્યક્રમ પૂર્ણ કરી પરત જતી વખતે અંજાર તાલુકાના ભીમાસર ગામે આવતા કોંગ્રેસી કાર્યકરોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવતા તો ભાજપના કાર્યકરોએ મોદી મોદીના નારા લગાવી હાર્દિકનો હુરિયો બોલાવ્યો હતો. અને બંને રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
આ બાબતે અંજારના પીઆઈ ભરતસિંહ પરમારનો સંપર્ક સાધતા ભેરૈયા ગામે હાર્દિક પટેલનો કાર્યક્રમ પૂર્ણ થતા તે પરત જતો હતો. અને ભીમાસર ગામના ઉપસરપંચ ગેલાભાઈના પુત્ર કાર્તિક જે હાર્દિકનો મિત્ર થતો હોઈ મિત્રના નાતે કાર્તિકને મળવા આવ્યો હતો. અને તેમાં ભાજપ- કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી અને હાર્દિક પટેલ તથા તેનો કાફલો પરત ચાલ્યો ગયો હતો