ભીમાસરમાં યુવાન ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો

રાપર : તાલુકાના ભીમાસર તથા પદમપરમાં મારામારીના બે બનાવો નોંધાયા હતા. જમીન બાબતેનું મનદુઃખ રાખી બે શખ્સોએ યુવાન ઉપર ધારીયા વડે જાનલેવા હુમલો કર્યો હતો. તો પદમપર ગામે પડતર જમીનમાં ગાયો ચારતા શખ્સને નાપાડતા મહિલા ઉપર લાકડી વડે હુમલો કરી અસ્થભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જગદીશભાઈ દેવાભાઈ પરમાર (રજપૂત) (ઉ.વ.૩ર) (રહે. ભીમાસર તા.રાપર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગઈકાલે સાંજે સાડા છ વાગ્યે તેઓ પોતાના બહેન-બનેવીની વાડીએ મળવા ગયેલ અને મળીને પરત ઘરે જતા હતા ત્યારે ભીમાસર ગામની સીમમાં વાડી વિસ્તારમાં રાજુ હરજી કોલી તથા દિનેશ હરજી કોલી બન્ને જણાએ તેઓને કહેલ કે તમોએ અમારૂ ખેતર કેમ વેચાતું લીધેલ છે જેથી તેઓએ જણાવેલ કે મે તો રૂપિયા આપીને લીધું છે તેવું કહેતા બન્ને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ તેઓને ગાળો આપી ધારીયા વડે તેઓના માથા તથા કાનના ભાગે ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા આડેસર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી સહાયક ફોજદાર દિનેશભાઈ ગોહિલે તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ સાલાણીવાંઢ પદમપર ગામે રહેતો પ્રેમજી અમરશી કોલી રાત્રીના ૧ર વાગ્યે પદમપર ગામે રેલવે કોલોની સામે પડતર જમીનમાં પોતાની ગાયો ચરાવતો હોઈ તેને અમરીબેન નાથાભાઈ કોલી (ઉ.વ.પપ) (રહે. રેલવે કોલોની પદમપર તા.રાપર) અહી ગાયો ચરાવવાની ના પાડેલ અને કહેલ કે અમારા નાના છોકરાઓને ગાયો હડફેટે લે જેથી દુર લઈ જવા કહેતા પ્રેમજીએ કહેલ કે તમારા બાપની કયાં છે આ જમીન તેવું કહી ગાળો આપી હાથના ભાગે લાકડી મારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગંભીર રીતે ઘવાયેલ અમરીબેનને રાધનપુરની બુશ હોસ્પટલમાં દાખલ કરાતા આરોપી સામે આઈપીસી કલમ ૩રપ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા માટે સહાયક ફોજદાર દિનેશભાઈ ગોહિલે ચક્રો ગતિમાન કરેલ છે.