ભીમાસરમાં બાબાસાહેબના થયેલા અપમાન મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ પોલીસને એક મહિનાનું આપ્યું અલ્ટીમેટમ

બાબાસાહેબની પ્રતિમાને અપમાનીત કરનાર આરોપીઓ નહી ઝડપાય તો આંદોલનની ચિમકી

ભીમાસર : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો કન્વીનર અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આજે પુનઃ કચ્છ આવ્યા હતા. પ્રથમ ભીમાસર ખાતેથી મેવાણીએ બાબાસાહેબને અપમાનિત કરવાનું કૃત્ય કરનારને એક મહિનામાં ઝડપી પાડવા પોલીસને અલ્ટીમેટમ આપ્યું હતું.
કચ્છમાં લોકસંવાદ કરવા આવેલા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પ્રથમ ભીમાસર ગામની મુલાકાત લીધી હતી. જ્યાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યું હતું. ત્યારબાદ જાહેર સભા સંબોધનમાં પોતાના આકરા મિજાજમાં જીજ્ઞેશ મેવાણીએ ભીમાસર ગામે બાબાસાહેબની પ્રતિમાના કરાયેલા અપમાનીત કૃત્યને વખોડ્યું હતું. બાબાસાહેબને અપમાનિત કરનાર શખ્સો હજુ સુધી પકડાયા નથી ત્યારે જાહેર મંચ પરથી તેમણે પોલીસને અલ્ટીમેટમ આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, અહીની ઘટનામાં શંકાના દાયરામાં કેટલાક શખ્સોના નામ અપાયેલા છે. ત્યારે આ કૃત્ય કરનારને પોલીસ ઝીણવટ ભરી તપાસ કરીને એક મહિનામાં આરોપી ઝડપી પાડે અન્યથા આંદોલનની ચિમકી તેમણે ઉચ્ચારી હતી. જાહેર મંચ પરથી તેમણે ભીમાસર બીટના પોલીસ કર્મીઓ-અધિકારીઓ આ વિસ્તારના એસપી તેમજ રેન્જના આઈજીને કહ્યું હતું કે, એક માસમાં જ આરોપીઓ ઝડપીને તેઓ તેમની અનુકુળતાએ તેમને ફોન કરીને જાણ કરે. એક મહિના સુધી જો આરોપીઓ નહી ઝડપાય તો આંદોલનમાં થનાર નુકશાનની જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.