ભાવનગર લૂંટનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ૩ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

(જી.એન.એસ.)ભાવનગર,ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભૂતિયા ગામે ગત તા. ૦૧/૦૬/૨૦૨૧ ના રોજ ઘરમાં રહેલી એક મહિલાને બોથડ પદાર્થના ઘા ઝીંકી પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. જે અંગે પોલીસ મહાનિર્દેશક દ્વારા સીટની રચના કરવામાં આવી હતી, જેમાં ભાવનગર પોલીસે તપાસ હાથ ધરી લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલવા વિવિધ ટિમો બનાવી હતી. ત્યારે પોલીસને આ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને કાયદાનાં સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત કુલ ૩ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તા. ૦૧/૦૬/૨૦૨૧ નાં રોજ ભાવનગર જીલ્લાનાં સિહોર તાલુકાનાં ભુતિયા ગામે રહેતાં લક્ષ્મીબેન મનુભાઇ માંડવીયા તેનાં ઘરે એકલાં હોય અને તેના પતિ વાડીએ ગયા હોય આ સમયે લૂંટારુઓ એ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, લૂંટારુઓએ ઘરમાં પ્રવેશી લક્ષ્મીબેનના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી દેતા લક્ષ્મીબેન લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતા મહિલાએ કાનમાં પહેરેલી સોનાની પોખાની ની લૂંટ ચલાવી લૂંટારુઓ નાસી છૂટ્યા હતાં.
મહિલાના પતિ મનુભાઇ માંડવીયા બપોરનાં સમયે વાડીએથી ઘરે આવતા તેનાં પત્નિને ઓસરીમાં ખુરશીમાં અર્ધબેભાન અવસ્થામાં બેઠેલ હાલતમાં જોતા અને તેનાં માથામાં પાછળનાં ભાગે લોહિ નીકળતું હોય આજુ-બાજુ માં રહેતાં તેનાં સગાં-સંબંધીઓને જાણ કરી ત્યાં બોલાવ્યા હતા. જ્યારે લક્ષ્મીબેનનાં કાનમાં પહેરેલ સોનાની પોખાની ન જોતા અને તેમને કોઈ ઈસમોએ માર મારી સોનાની પોખાનીની લુંટી ગયાનું જણાવતા તાકીદે પોલીસને જાણ કરી અને લક્ષ્મીબેન ને સારવાર માટે ૧૦૮માં સિહોર બાદમાં ભાવનગર ખાતે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા.