ભાવનગરમાં તાઉ-તે અસરગ્રસ્ત સર્વેથી વંચિત ગામોના ખેડૂતોએ જિલ્લા પંચાયત કચેરીએ મોરચો માંડ્યો

(જી.એન.એસ.)ભાવનગર,ભાવનગર જિલ્લા ને થોડા સમય પૂર્વે ધમરોળનાર તાઉ-તે વાવાઝોડામાં ખેડૂતોને મોટી આર્થિક નુકશાની વેઠવી પડી હતી, જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને નુકશાની અંગે સર્વે કરી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ સહાય-સર્વે થી વંચિત સાત ગામનાં ૩૦૦ થી વધુ ખેડૂતોએ ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું પરંતુ જિલ્લા વિકાસ અધિકારી એ યોગ્ય કરવાની ખાત્રી આપતાં ધરતીપૂત્રોએ ઉપવાસ આંદોલન-ધરણાં કાર્યક્રમ માંડી વાળ્યો હતો.ભાવનગર જિલ્લામાં થોડાં સમય પૂર્વે અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ તાઉ-તે વાવાઝોડાએ તટપર ભારે તબાહી સર્જી હતી આ વાવાઝોડા ની અડફેટે ભાવનગર જિલ્લો પણ આવી ગયો હતો અને ખેડૂતોને મોટી આર્થિક નુકસાની થવા પામી હતી આ અંગે રાજ્ય સરકારે વાવાઝોડા ગ્રસ્ત ગામોમાં નુકસાની નો સર્વે કરી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી અને તાજેતરમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાહેર કર્યું હતું.ભાવનગર શહેરને અડીને આવેલા સાત થી વધુ ગામો આ સર્વેથી વંચિત હોય અને આજ સુધીમાં આ અંગે કોઈ જ મદદ ન મળી હોવાનાં કારણે ૨૦૦ થી વધુ ખેડૂતો જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા સહિતના સભ્યો સાથે ન્યાય ની માંગ સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન સાથે ધરણાં પર બેઠા હતા આથી ડીડીઓ એ ખેડૂતોને બોલાવી ચર્ચાઓ કરી હતી.