ભાલાણીવાંઢમાં પકડાયેલ નકલી ઘી પ્રકરણમાં તપાસ ઠેરની ઠેર

બાળ વિકાસ કેન્દ્રના બંધ અને અવવારૂ મકાનમાં થી પોલીસે ર, ૭૪ લાખના બનાવટી ઘી નો જથ્થો પકડી પાડયો હતો : ગાગોદર પાસેની હોટલના સંચાલક પોલીસે ઉઠાવ્યો હતો ! એફએસએલમાં મોકલાવેલ સેમ્પલોનો અભિપ્રાય આવેથી વધુ તપાસ હાથ ધરાશે : પી.એસ.આઈ. પરમાર

 

 

ગાંધીધામ : પુર્વ કચ્છના રાપર તાલુકાના ભાલાલવાંઢમાંથી પોલીસે છાપો મારી ર,૭૩, ૮રપ ના બનાવટી દેશી ઘી નો જથ્થો પકડી પાડી નકલી ઘી નો પર્દાફાશ કર્યો હતો. આ કિસ્સામાં હોટલ સંચાલકની સંડોવણી સામે આવવા છતાં પોલીસે તેની સામે કાર્યવાહી નહી કરી હોવાની ચર્ચાઓ આ પંથકમાં વહેતી થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૩૦-૭-૧૭ ના રાપર પોલીસે બાતમી આધારે ભાલાણીવાંઢમાં આવેલ બાલ વિકાસ કેન્દ્રના બંધ અને અવાવરૂ મકાનમાં છાપો મારી ૧ર૯૦ પતરાના ડબ્બા વેજીટેબલ ઘી કિ.રૂ. ર, ૭૩, ૮રપ નો જથ્થો પકડી પાડયો હતો. જથ્થો કોનો અને કોણે રાખ્યો હશે તે અંગેનો કોઈ ખુલાસો નહી થતા પોલીસે ડબ્બા પેકીંગ કરવાનું મશીન, બે કોમર્શીયલ રાંધણ ગેસના બાટલા, ચુલો, ઈલેકટ્રોનિક વલોણું સહિતના સાધનો સીઆરપીસી ૧૦ર હેઠળ કબ્જે કરી પી.એસ.આઈ. પરમારે તપાસ હાથ ધરી હતી. નકલી ઘી નો જથ્થો પકડાતા આ પંથકના મોટા માથાઓની સંડોવણી ખુલવાની ચર્ચાઓ જે તે બહુ ચર્ચાવા લાગી હતી. પરંતુ આ પ્રકરણને એકાદ માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પ્રગતિ થઈ નથી. જે તે વખતે પોલીસે ગાગોદર પાસે હાઈવે ઉપર આવેલ એક જાણીતા હોટલના સંચાલકને ઉઠાવ્યો પણ હતો. પરંતુ તેના સામે કોઈ જ કાર્યવાહી નહી કરાતા પોલીસ સામે પણ સવાલો ઉઠવા પામ્યા હતાં.
આ બાબતે પીએસઆઈ બી.જે. પરમારનો સંપર્ક સાધતા જે તે વખતે શંકાસ્પદ નકલી ઘી નો જથ્થો મળી આવતા સીઆરપીસી ૧૦ર હેઠળ કબજે લઈ ઘી નકલી છે કે અસલી તે જાણવા માટે સેમ્પલો લઈ એફએસએલમાં મોકલી આપેલ હતા. જેનો અભિપ્રાય હજુ સુધી આવેલ નથી. અભિપ્રાય આવ્યા બાદ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવશે.